
ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.)
ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા જિલ્લા ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ નાગરિકોની સમસ્યાઓ સાંભળી આ સમસ્યાઓનો ઉકેલ આવે એ દિશામાં હકારાત્મક કામગીરી કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચન કર્યા હતાં.
નાગરિકોએ રખડતા પશુઓની સમસ્યા અંગે, ગાંગેથાથી સરસ્વતી સીમશાળાને જોડતા રસ્તા અંગે, ગ્રામ્ય સ્તરે ૧૯૬૨ હેલ્પલાઈન કાર્યરત કરવા અંગે, અકસ્માત વીમાની રકમ, વીજ કનેક્શન મેળવવામાં મુશ્કેલી, વરસાદી પાણીના નિકાલ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતાં.
કલેકટરએ નાગરિક પ્રથમ અભિગમ દાખવી સબંધિત અધિકારીઓ સાથે અરજદારની હાજરીમા રજૂ થયેલા તમામ પ્રશ્નોની વિગતવાર સમીક્ષા કરી હતી અને અરજીઓનો ત્વરિત નિકાલ લાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
નાગરિકોએ કરેલી સ્વાગત કાર્યક્રમ માટેની વિવિધ રજૂઆતો પરત્વે યોગ્ય પગલા લઈ અને જનહિતલક્ષી સમસ્યાનું ત્વરિત નિવારણ થાય તે દિશામાં કામગીરી કરવા કલેક્ટરશ્રીએ સંલગ્ન વિભાગોને સૂચના આપી હતી.
કલેક્ટરએ વધુમાં સૂચન કરતા જણાવ્યું હતું કે, નાગરિકહિતલક્ષી યોજનાના સરળ અમલીકરણ માટે રાજ્ય સરકારની સૂચના અનુસાર યુનિવર્સલ એફિડેવિટનો અમલ સરળ રીતે કરવામાં આવે. જેથી નાગરિકોને સરળતાથી સરકારની વિવિધ વિભાગની યોજનાનો ત્વરિત લાભ મળી શકે.
સ્વાગત ફરિયાદ નિવારણમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી સર્વ કે.આર.પરમાર, જે.વી.કાકડિયા, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ