
સોમનાથ, 25 ઓગસ્ટ (હિ.સ.)
વેરાવળ: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરની પ્રેરણાથી ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ તથા વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે વેરાવળ શહેરમાં સંસ્કૃત ગૌરવ યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ, સંવર્ધન અને સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસારના પાવન ઉદ્દેશ્યથી તારીખ ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે ડૉ. બાબા સાહેબ આંબેડકર પાર્ક પાસે આવેલ ટાવર ચોકથી સંસ્કૃત યુનિવર્સિટી સુધી આ ગૌરવ યાત્રા ધામધૂમથી યોજાઈ હતી.
આ શોભાપાલખી અને ગૌરવ યાત્રામાં વિદ્યાર્થીઓએ શિવ, કૃષ્ણ, રામ સહિતના પૌરાણિક પાત્રોની અદ્ભુત વેશભૂષા ધારણ કરી ભારતીય સંસ્કૃતિનું જીવંત નિદર્શન કરાવ્યું હતું. યાત્રા દરમિયાન ટેબ્લો દ્વારા યજ્ઞસેવા અને વૈદિક સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યારે સંસ્કૃત શ્લોકો અને મધુર ગીતોના ગુંજારવ સાથે સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું અને જન-જન સુધી સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસારનો પ્રભાવી સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અધિકારી એમ. પી. બોરેચા સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નોડલશ્રી એન. ડી. અપર્ણાથી સાહેબ, માધ્યમિક વિભાગના નોડલશ્રી વી. બી. ખાંભલા સાહેબ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલસચિવ મહેશ મેત્રા સાહેબ તેમજ ડૉ. જી. આર. ડોડિયા કન્યાશાળાના આચાર્યશ્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વેરાવળ વેપારી એસોસિએશન મહામંડળના અગ્રણીશ્રીઓ મુકેશભાઈ ચોલેરા, અનિશ રાચ્છ અને કેવિન કાનાબાર સહિતના સ્થાનિક અગ્રણીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા. વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓની વિશાળ હાજરી વચ્ચે આ કાર્યક્રમને સુચારુ રૂપે સંપન્ન કરવામાં પોલીસ સ્ટાફ દ્વારા પણ વ્યવસ્થા જાળવીને સરાહનીય સહયોગ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ