જૂનાગઢમાં રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે ક્રીડા ભારતી દ્વારા, ખેલકુદ સપ્તાહનો શુભારંભ કરાયો
જૂનાગઢ 25 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢમાં ક્રીડા ભારતી દ્વારા રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે ગત તા.૨૩/૦૮/૨૦૨૬ થી આગામી તા.૨૯/૦૮/૨૦૨૬ દરમિયાન ખેલકુદ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના શુભારંભરૂપે ગત તા.૨૩/૦૮/૨૦૨૬ના રોજ સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક
જૂનાગઢમાં રાષ્ટ્રીય રમત દિવસ


જૂનાગઢ 25 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢમાં ક્રીડા ભારતી દ્વારા રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે ગત તા.૨૩/૦૮/૨૦૨૬ થી આગામી તા.૨૯/૦૮/૨૦૨૬ દરમિયાન ખેલકુદ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના શુભારંભરૂપે ગત તા.૨૩/૦૮/૨૦૨૬ના રોજ સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ગાંધીગ્રામ, જૂનાગઢ શહેર ખાતે શાળાકીય રમતોત્સવ-૨૦૨૬ અંતર્ગત જિલ્લા કક્ષાની કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથલેટીક્સ બહેનોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ જિલ્લાકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં જૂનાગઢ શહેર તથા જૂનાગઢ જિલ્લાના વિવિધ શાળા-સંસ્થાઓમાંથી ૫૦૦ થી વધુ ખેલાડી બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સુંદર રમત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર સ્પર્ધા દરમિયાન ખેલાડીઓમાં ભારે ઉત્સાહ અને રમત ગમત પ્રત્યેનો જોરદાર જુસ્સો જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં દરવર્ષે તારીખ ૨૯ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિની યાદમાં મનાવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દેશમાં રમત ગમતના વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓ યોજવામાં આવે છે. વર્ષ ૨૦૧૨ થી આ દિવસ મનાવવાની શરૂઆત કરાઇ હતી.

આ ઉપરાંત જિલ્લા રમત ગમત અધિકારી મનીષકુમાર જીલડીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્પર્ધાનું સુવ્યવસ્થિત આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું. તેમ જૂનાગઢ જિલ્લા વ્યાયામ મંડળના સહયોગથી સ્પર્ધાના મેદાન, ખેલાડીઓની વ્યવસ્થા, રમત ગમતની પ્રક્રિયા તથા અન્ય જરૂરી કામગીરી સુચારૂ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લાના બાળકો તથા યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ, ઉત્સાહ અને ભાગીદારી વધે તેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સમગ્ર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ બાળકો અને યુવાનોને રમત ગમત ક્ષેત્ર સાથે જોડાઈને સ્વસ્થ, સશક્ત અને રમતપ્રેમી જૂનાગઢનું નિર્માણ કરવાનો છે.

આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સનશ્રી પલ્લવીબેન ઠાકરે ખેલાડી બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે, રમત ગમત એ માત્ર સ્પર્ધા નથી પરંતુ શિસ્ત, આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણો વિકસાવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. બહેનોએ રમત ગમત ક્ષેત્રમાં નિર્ભયતાથી આગળ વધી પોતાની પ્રતિભા સાબિત કરી જૂનાગઢનું નામ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવપૂર્ણ રીતે રોશન કરવું જોઈએ. જિલ્લા શિક્ષણાધિકારી લત્તાબેન ઉપાધ્યાયે પણ ખેલાડીઓને રમતગમત સાથે શિક્ષણમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે ગૌરવભાઈ રૂપારેલિયા, નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ, જિલ્લા રમત ગમત અધિકારી મનીષકુમાર જીલડીયા ઉપસ્થિત રહીને ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. તેમ જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande