


કચ્છ, 25 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાતના વિવિધ શૈક્ષણિક સંકુલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અટવાયેલી સ્કોલરશીપનો મુદ્દો હવે આંદોલન સુધી પહોંચ્યો છે. વિદ્યાર્થીઓને સમયસર શૈક્ષણિક સહાય મળી રહે અને બાકી રહેલી સ્કોલરશીપની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આદિપુરના કોલેજ સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને વિદ્યાર્થીઓએ સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
ABVPના જણાવ્યા મુજબ રાજ્યની વિવિધ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા અનેક પાત્ર વિદ્યાર્થીઓની સ્કોલરશીપની અરજીઓ લાંબા સમયથી પ્રક્રિયાના વિવિધ તબક્કે અટવાયેલી છે. ખાસ કરીને SC, ST, SEBC અને EWS સહિતના વિદ્યાર્થીઓ ઉપરાંત MYSY, CMSS, પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક સ્કોલરશીપ મેળવવા માટે કરાયેલી અનેક અરજીઓનું હજુ સુધી સંપૂર્ણ નિરાકરણ થયું નથી.
વિદ્યાર્થીઓની અરજીઓ Verification, Sanction અને Payment જેવી પ્રક્રિયામાં અટવાઈ હોવાના કારણે તેમને આર્થિક સહાય મળવામાં વિલંબ થઈ રહ્યો છે. બીજી તરફ DBT પ્રક્રિયા, આધાર-એનપીસીઆઈ લિંકિંગ, બેંક સંબંધિત વિગતો તેમજ સંસ્થાકીય ચકાસણી જેવી ટેકનિકલ બાબતોના કારણે પણ કેટલી noક અરજીઓની ચુકવણી પ્રક્રિયા આગળ વધી શકતી નથી તેવી રજૂઆત કરવામાં આવી હતી.
સ્કોલરશીપની રકમ સમયસર ન મળવાથી ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને શિક્ષણ ચાલુ રાખવામાં મુશ્કેલી પડી રહી હોવાનો ABVPએ આક્ષેપ કર્યો હતો. કોલેજ ફી, હોસ્ટેલ, પુસ્તકો, મુસાફરી અને અન્ય શૈક્ષણિક ખર્ચનો વધતો બોજ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
આદિપુર કોલેજ સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યા બાદ ABVPના પ્રતિનિધિમંડળે અંજારના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ વિદ્યાર્થીઓની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી. પેન્ડિંગ અરજીઓની સમયબદ્ધ ચકાસણી પૂર્ણ કરી બાકી રહેલી સ્કોલરશીપની રકમ સીધી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.ABVPએ સ્પષ્ટ કર્યું હતું કે વિદ્યાર્થીઓના શિક્ષણને અસર કરતી આ સમસ્યાનો ઝડપથી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar