
કચ્છ, 25 ઓગસ્ટ (હિ.સ.) : ભચાઉ તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસે વોંધ ગામના દતક વિસ્તારમાં દરોડો પાડી ખુલ્લામાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને ગંજીપાનાં સહિત કુલ રૂ.3 હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ભચાઉ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, વોંધ ગામના દતક વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં તીનપત્તીના પાનાથી પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી જણાવેલા સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની ટીમે સ્થળને કોર્ડન કરી જુગાર રમતા શખ્સોને ઝડપી પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વોંધ ગામના રહેવાસી અનવર ફકીર મામદ ખલીફા, ઉંમર 34 વર્ષ, દશરથ રાયશી ઠાકોર, ઉંમર 42 વર્ષ, મહમદ દાઉદ કુંભાર, ઉંમર 19 વર્ષ તથા સુમાર આમદ અયુબ, ઉંમર 25 વર્ષને પકડી પાડ્યા હતા. ચારેય સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આ કાર્યવાહી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ જિલ્લામાં જુગાર તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને બાતમીના આધારે કાર્યવાહી સતત હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar