



કચ્છ, 25 ઓગસ્ટ (હિ.સ.) : મુન્દ્રા સ્થિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ આદિપુર ખાતે યોજાયેલા વિભાગ કક્ષાના વૈદિક ગણિત મેળામાં પોતાની ગણિતીય પ્રતિભા અને ઝડપી ગણતરીની ક્ષમતાનો પરિચય કરાવી શાળાનું નામ રોશન કર્યું છે. વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાન દ્વારા આયોજિત આ મેળામાં વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ અનેક ઇનામો અને સ્થાન હાંસલ કર્યા હતા.
ગણિતને સામાન્ય રીતે અઘરો અને ગણતરી આધારિત વિષય માનવામાં આવે છે, પરંતુ વૈદિક ગણિતની પદ્ધતિઓ દ્વારા જટિલ લાગતા દાખલાઓને પણ સરળતાથી અને ઝડપથી ઉકેલી શકાય છે. આ વાતનો સુંદર પરિચય આ ગણિત મેળામાં જોવા મળ્યો હતો. શ્રી સરસ્વતી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની કુશળતા સાબિત કરી હતી.મેળાની પ્રશ્નમંચ સ્પર્ધામાં વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. શિશુ વિભાગે દ્વિતીય, કિશોર વિભાગે પ્રથમ અને તરુણ વિભાગે દ્વિતીય સ્થાન મેળવી નોંધપાત્ર સફળતા મેળવી હતી. વિદ્યાર્થીઓની ઝડપી ગણતરી અને તર્કશક્તિએ ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા.
પ્રદર્શન સ્પર્ધામાં પણ વિદ્યાલયની ટીમે પોતાની સર્જનાત્મકતા દર્શાવી હતી. શિશુ વર્ગે બે અલગ વિષયોમાં પ્રથમ અને તૃતીય સ્થાન મેળવ્યું હતું. બાલ વર્ગે દ્વિતીય સ્થાન જ્યારે તરુણ વર્ગે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પત્રવાંચન સ્પર્ધામાં તરુણ વર્ગે પ્રથમ અને બાલ વર્ગે તૃતીય સ્થાન મેળવી સફળતામાં વધારો કર્યો હતો. આચાર્ય પત્રવાંચન સ્પર્ધામાં વિદ્યાલયના આચાર્યદીદી પૂજાબેન ઝણકાટાએ તૃતીય સ્થાન મેળવી શાળાની પ્રતિષ્ઠામાં વધુ એક સિદ્ધિ ઉમેરવામાં સફળતા મેળવી હતી.આ સફળતા પાછળ વિદ્યાર્થીઓની મહેનત સાથે શિક્ષકોનું માર્ગદર્શન અને સતત તાલીમ પણ મહત્વપૂર્ણ રહી હતી. અર્જુનભાઈ, રેશ્માબેન, અંકિતાબેન, હેન્સીબેન, અનિતાબેન, પૂજાબેન સહિતના શિક્ષકો અને આચાર્યબેનના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સ્પર્ધાની તૈયારી કરી હતી.
વિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રી તથા ટ્રસ્ટ પરિવારે તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓની આ સિદ્ધિએ સાબિત કર્યું છે કે યોગ્ય પદ્ધતિ, સતત અભ્યાસ અને આત્મવિશ્વાસ સાથે ગણિતને સરળ, રસપ્રદ અને આનંદદાયક બનાવી શકાય છે. મુન્દ્રાની આ શૈક્ષણિક સિદ્ધિને લઈને વિદ્યાલય પરિવાર અને વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar