


કચ્છ, 25 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ જિલ્લાના મુંદરા સિટી પોલીસ સ્ટેશન ખાતે આગામી સમયમાં આવી રહેલા વિવિધ તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એમ.આર. સકોરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી.
આ બેઠકમાં મુંદરા શહેર અને આસપાસના વિસ્તારના હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન આગામી દિવસોમાં આવતા ઈદે મિલાદ, રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી જેવા પાવન પર્વો દરમિયાન સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
પીઆઇ એમ.આર. સકોરિયાએ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે તમામ તહેવારો દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત અને વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ સાથે જ તેમણે ઉપસ્થિત આગેવાનોને અપીલ કરી હતી કે તહેવારો દરમિયાન જો કોઈ પણ પ્રકારની તકલીફ, અણધારી સમસ્યા કે અપ્રિય પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.
બેઠકમાં ઉપસ્થિત બંને સમાજના આગેવાનોએ પણ વહીવટી તંત્રને ખાતરી આપતા જણાવ્યું હતું કે દરેક તહેવારો પરસ્પર એકતા, શાંતિ અને ભાઈચારાની ભાવના સાથે ઉજવવામાં આવશે તેમજ કાયદો-વ્યવસ્થા જાળવવામાં પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.
આ શાંતિ સમિતિની બેઠકમાં ધર્મેન્દ્રભાઈ જેસર, અનવરભાઈ ખત્રી, હાજી નૂરમહંમદ મંધરા, ઝકરિયાભાઈ સાટી, રાજુભાઈ કષ્ટા, નરેન્દ્રસિંહ ઝાલા, દિનેશ માલમ, લાલુભા પરમાર, પપ્પુ બાપુ બુખારી, હનીફભાઈ કેવર, શૈલેષ માલી, બલદેવસિંહ જાડેજા, ભાવેશ ઠક્કર, ફૈઝલ તુર્ક, હનીફ જુનેજા, હમીદ ખત્રી, ઇનોન તુર્ક, રબ્બાની જત, હાજી સમીરભાઈ થેબા, મહેંદી જત, અલી ગાધ, રમઝાન સુમરા સહિત મુંદરા શહેરના ગ્રામજનો અને અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar