એક વર્ષથી મહારાષ્ટ્ર પોલીસને ચકમો આપતો લૂંટકેસનો આરોપી કચ્છમાં ઝડપાયો, મુંદરા પોલીસે વતનમાંથી દબોચ્યો
કચ્છ, 25 ઓગસ્ટ (હિ.સ.) : મહારાષ્ટ્રના દહિસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર લૂંટ અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર રહી પોલીસને ચકમો આપી રહેલા આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. મુંદરા પોલીસની સર્વેલન્સ ટીમે ચોક્કસ
દહિસર પોલીસનો આરોપી


કચ્છ, 25 ઓગસ્ટ (હિ.સ.) : મહારાષ્ટ્રના દહિસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર લૂંટ અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર રહી પોલીસને ચકમો આપી રહેલા આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. મુંદરા પોલીસની સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપીને તેના જ વતન મોટા કાંડાગરા ગામમાંથી ઝડપી પાડતાં મહારાષ્ટ્ર પોલીસને મોટી રાહત મળી છે.

મળતી માહિતી મુજબ, થાણે જિલ્લાના દહિસર પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 336/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 309, 333, 318(4), 61(2) તથા 3(5) મુજબ લૂંટ, છેતરપિંડી સહિતની ગંભીર જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં મોટા કાંડાગરા, તા. મુંદરા, કચ્છના રહેવાસી રાજેન્દ્રસિંહ પથુભા સોઢા (ઉંમર 35 વર્ષ)નું નામ સામે આવ્યું હતું. ગુનો નોંધાયા બાદથી તે પોલીસની પકડથી દૂર રહી રહ્યો હતો.

પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ તંત્ર દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તેમજ વિવિધ ગુનાઓમાં લાંબા સમયથી ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. શકોરીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને વોન્ટેડ આરોપીઓ અંગે માનવીય બાતમીનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન પોલીસને વિશ્વસનીય માહિતી મળી હતી કે દહિસર પોલીસના લૂંટના ગુનામાં વોન્ટેડ રાજેન્દ્રસિંહ સોઢા પોતાના વતન મોટા કાંડાગરા ગામમાં છુપાઈને રહે છે. માહિતીની ખરાઈ કર્યા બાદ મુંદરા પોલીસની ટીમે સમય ગુમાવ્યા વિના ગામમાં પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો.

આરોપીની ધરપકડ બાદ મુંદરા પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે દહિસર પોલીસને જાણ કરવામાં આવી.આરોપીને મહારાષ્ટ્ર પોલીસને સોંપવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. એક વર્ષથી ફરાર આરોપી પોતાના વતનમાંથી જ ઝડપાઈ જતાં મુંદરા પોલીસની સતર્કતા અને બાતમી આધારિત કામગીરી ચર્ચામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande