રાપર નજીક જુગારધામ પર પોલીસનો સપાટો: પાંચ ઝડપાયા, રૂ.3.83 લાખનો મુદ્દામાલ જપ્ત
કચ્છ, 25 ઓગસ્ટ (હિ.સ.) : રાપર તાલુકામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. રામવાવ ગામ નજીક આશાબાપીરની દરગાહ પાસે ખુલ્લી જગ્યામાં ધાણી-પાસાના દાવ સાથે જુગાર રમતા પાંચ શખ્સોને રાપર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્
રાપર જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 25 ઓગસ્ટ (હિ.સ.) : રાપર તાલુકામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. રામવાવ ગામ નજીક આશાબાપીરની દરગાહ પાસે ખુલ્લી જગ્યામાં ધાણી-પાસાના દાવ સાથે જુગાર રમતા પાંચ શખ્સોને રાપર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીમાં રોકડ રકમ, મોબાઈલ ફોન, ત્રણ મોટરસાયકલ અને એક સ્વિફ્ટ કાર સહિત કુલ રૂ.3,83,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે જુગાર રમવામાં સામેલ અન્ય ચાર શખ્સોને પકડવા પોલીસે તપાસ તેજ કરી છે.

મળતી માહિતી મુજબ, જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે રામવાવ ગામની બાજુમાં આવેલા આશાબાપીરની દરગાહ નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ધાણી-પાસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી અચાનક દરોડો પાડતા જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી. જોકે પોલીસે પાંચ શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસ દ્વારા પકડાયેલા શખ્સોમાં આધોઈના પ્રદિપ ભાણજી કોલી, રામવાવના રતનસિંહ દેશલજી જાડેજા, આધોઈના સમીરશા અબ્દુલશા ડુરેશી, રામવાવના વિનોદગીરી ભગવાનગીરી ગોસ્વામી અને આધોઈના ભરત બાબુભાઈ ગાગંસનો સમાવેશ થાય છે.

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ.13,700 રોકડા, ચાર મોબાઈલ ફોન, ત્રણ મોટરસાયકલ, એક સ્વિફ્ટ કાર તથા ધાણી-પાસા કબજે કર્યા હતા. તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ.3,83,700 હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.આ ઉપરાંત બબા પાંચાભાઈ મણવર, મયુર ડોલી, યુવરાજ ભટ્ટી અને રમેશ ઉર્ફે મચો ભીખા કોલી નામના ચાર શખ્સો હાલ પોલીસની પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે. તેમને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે. સમગ્ર કાર્યવાહી રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા તથા પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande