
કચ્છ, 25 ઓગસ્ટ (હિ.સ.) : સામખીયારી પોલીસ દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રેલવે સ્ટેશન નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહીમાં એક શખ્સને દારૂના મુદ્દામાલ સાથે ઝડપી લઈને તેની સામે પ્રોહિબિશન કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપારને અટકાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આ અનુસંધાને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ સામખીયારી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને બાતમીદારો મારફતે માહિતી એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી.
દરમિયાન સામખીયારી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને માહિતી મળી હતી કે સામખીયારી રેલવે સ્ટેશનની બાજુના સર્વિસ રોડ પરથી ચામુંડા ચોકડી તરફ એક શખ્સ દારૂનો જથ્થો લઈને જઈ રહ્યો છે. બાતમીમાં શખ્સના પહેરવેશ અંગે પણ ચોક્કસ વિગતો આપવામાં આવી હતી. માહિતીના આધારે પોલીસે સ્થળ પર જરૂરી વોચ ગોઠવી હતી અને બાતમી મુજબના શખ્સને અટકાવી તેની તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન શખ્સના કબજામાં રહેલી બ્લુ કલરની ટ્રોલી બેગમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 180 મિલીલીટર ક્ષમતાની કુલ 108 બોટલો મળી આવી હતી. પોલીસે કાઉન્ટી ક્લબ ડીલક્સ વ્હિસ્કીની બોટલો સહિત કુલ રૂ.14,040નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આ મામલે બલવિરસિંહ બજરંગસિંહ રાજપુત, ઉંમર 31 વર્ષ, મૂળ ડાસ્ત્રોલી, તા. દાંતા-રામગઢ, જી. સિક્કર, રાજસ્થાનને ઝડપી લીધો છે. આરોપી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. ઝાલાની સૂચના અને સામખીયારી પોલીસ સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar