
પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.)પાટણની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલના ૧૧૦થી વધુ વિદ્યાર્થીઓએ રક્ષાબંધન પર્વ નિમિત્તે દેશની સરહદો પર ફરજ બજાવતા વીર જવાનો માટે પોતાના હાથે રાખડીઓ બનાવી છે. યુવા ફાઉન્ડેશનના ‘રાખી ટુ આર્મ્ડ ફોર્સીસ’ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ રાખડીઓ અર્પણ કરી સૈનિકો પ્રત્યે પ્રેમ, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
વિદ્યાર્થીઓએ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના વિચાર સાથે વિવિધ નકામી સામગ્રીનો ઉપયોગ કરી કલાત્મક અને આકર્ષક રાખડીઓ તૈયાર કરી હતી. આ પ્રવૃત્તિમાં સર્જનાત્મકતા સાથે પર્યાવરણ જાગૃતિ અને દેશપ્રેમની ભાવના પણ જોવા મળી હતી. દરેક રાખડી દ્વારા જવાનોને ‘તમે સરહદ પર દેશની રક્ષા કરો છો, ત્યારે સમગ્ર દેશ તમારી સાથે છે’ એવો લાગણીસભર સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં શાળાની મદદનીશ શિક્ષિકા બહેનો બીનાબેન પટેલ, ડૉ. ગીતાબેન પરમાર તથા લીલાબેન વિસાતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શિક્ષિકાઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દેશના વીર સૈનિકો સાથે લાગણીનો પવિત્ર સંબંધ જોડવાનો પ્રયાસ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ