
ભાવનગર, 25 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લા ભાજપ અંતર્ગત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ પાલિતાણા નજીક સરોડ ખાતે આવેલા શ્રી રાજેન્દ્ર વિદ્યાધામમાં થયો હતો. યોજાનારા આ પ્રશિક્ષણ વર્ગમાં ભાવનગર જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા છે.
પ્રશિક્ષણ વર્ગના પ્રારંભ પ્રસંગે પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અંત્યોદયના વિચારને સાકાર કરવા છેવાડાના માનવી સુધી પહોંચવામાં ભાજપના કાર્યકર્તાની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ગામડાં અને સમાજના છેવાડાના વર્ગ સુધી સરકારની યોજનાઓ તથા વિકાસના લાભ પહોંચે તે માટે કાર્યકર્તાઓએ સક્રિય ભૂમિકા ભજવવી જરૂરી છે.
પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય ધવલભાઈ દવેએ કાર્યકર્તાની જવાબદારી, વિકાસ, સંભાળ અને દાયિત્વબોધ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ભાજપની વિચારસરણી અને સંગઠનની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના અગ્રણી ચીથરભાઈ પરમાર અને નાગજીભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને વિવિધ વિષયો પર વક્તવ્યો યોજાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમના પ્રારંભે પ્રભારી હર્ષદગિરિ ગોસ્વામી, વાલી દિલીપભાઈ ભોજાણી સહિત અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
સત્રનું સંચાલન વિઠ્ઠલભાઈ સોરઠિયા (વી.ડી.) અને જોરશંગભાઈ પરમારે કર્યું હતું. ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં કાર્યકર્તાઓને સંગઠન, જવાબદારી અને સામાજિક સેવા સહિતના વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA