
નવસારી, 25 ઓગસ્ટ (હિ.સ.)-નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કલેક્ટરે 24થી વધુ અરજદારોની રજૂઆતો રૂબરૂ સાંભળી હતી અને વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
અરજદારો દ્વારા બેંકની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા, કબજાના આધારે પ્રોપર્ટી કાર્ડ, પાણીની લાઇનમાં ક્ષતિ, પાણીની ટાંકી સંબંધિત કામગીરી, ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર રેતી ખનન, કોમ્પ્યુટરાઇઝ્ડ 7/12 ઉતારા, બ્લોક સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
કલેક્ટર મનીષ ગુરવાનીએ દરેક અરજીની વિગતો અને સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરી હતી. તેમણે જવાબદાર અધિકારીઓને અરજદારોની રજૂઆતોનો ઝડપી અને સમયબદ્ધ નિકાલ કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી. સાથે જ અરજદારોને યોગ્ય ઉકેલ મળે અને તેમની ફરિયાદોનો નિયમિત રીતે અનુસરણ થાય તે સુનિશ્ચિત કરવા પણ અધિકારીઓને તાકીદ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા કક્ષાના વિવિધo વિભાગોના અધિકારીઓએ અરજદારોની રજૂઆતો અંગે જરૂરી માહિતી રજૂ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નિવાસી અધિક કલેક્ટર જે.એન. લિખિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે