


- અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાંથી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
ભરૂચ, 25 ઓગસ્ટ (હિ.સ.) : જીતાલી ગામમાં આવેલા એક ફાર્મ હાઉસમાં વહેલી સવારે તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, ફાર્મ હાઉસના ઘરમાલિક રાત્રિના સમયે ઘરમાં જ સુતા હતા. ત્યારે તસ્કરો મકાનમાં પ્રવેશ્યા અને સૌથી પહેલા ઘરમાલિક જે રૂમમાં સૂતા હતા, તેનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ તસ્કરોએ બાજુના રૂમમાં જઈને ત્યાં રાખેલો સામાન ફેંદી નાખ્યો હતો અને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે જ્યારે ઘરમાલિક ઉઠ્યા અને રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે દરવાજો બહારથી કોઈએ લોક કરી દીધો હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે તેમણે તાત્કાલિક પોતાના સગા-સંબંધીઓને ફોન કરીને જાણ કરી હતી. સગા-સંબંધીઓ સ્થળ પર પહોંચ્યા બાદ બહારથી દરવાજાનું લોક ખોલવામાં આવ્યું હતું.દરવાજો ખુલ્યા બાદ જ્યારે ઘરમાલિકે બાજુના રૂમમાં જઈને તપાસ કરી ત્યારે આખો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. ફાર્મ હાઉસમાં કેટરર્સનો સામાન રાખવામાં આવ્યો હતો અને તસ્કરો તેમાંથી ઉપયોગી સામાન ચોરી કરીને લઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
જોકે અહીં ચોરીની ઘટનામાં તસ્કરોએ જે વસ્તુઓ પર હાથ સાફ કર્યો તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. તસ્કરો બે ગેસના બોટલ, ચોખાની બે બોરી, દાળની એક બોરી તેમજ મિક્સ મસાલાનો એક ડબ્બો સહિતનો સામાન ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ઘરમાલિક દ્વારા તાત્કાલિક અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી અને આ અંગે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી તસ્કરો સુધી પહોંચવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે ફરિયાદી લાંબા સમયથી વિવિધ કંપનીઓમાં ટિફિન સર્વિસ પૂરી પાડવાનું કામ કરે છે અને આ ટિફિન સર્વિસમાંથી જ તેમના પરિવારનું ગુજરાન ચાલે છે. ત્યારે ટિફિન સર્વિસ માટે જરૂરી કેટરર્સનો સામાન જ ચોરી થઈ જતા ફરિયાદીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.હવે સૌથી મોટો સવાલ એ છે કે ફાર્મ હાઉસમાં તસ્કરો કઈ રીતે ઘૂસ્યા? ઘરમાલિક અંદર સૂતા હોવા છતાં તેમને બહારથી રૂમમાં પૂરીને તસ્કરોએ નિશ્ચિંત બનીને ચોરી કેવી રીતે કરી? અને આ સમગ્ર ઘટનામાં કોઈ ઓળખીતાનો હાથ છે કે પછી બહારથી આવેલા તસ્કરોએ ઘટનાને અંજામ આપ્યો છે? તાલુકા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. હવે પોલીસની તપાસ બાદ જ ચોરી પાછળ રહેલા તસ્કરો અંગેની હકીકત બહાર આવશે. જીતાલી ગામની આ ઘટનાએ ફાર્મ હાઉસ અને ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ