
જામનગર, 25 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના ચેલા વિસ્તારમાં કબૂતરો ઝુપડા પર આવી બેસવા અને તેમને ઉડાડવા પથ્થર-ચપ્પલના ઘા કરવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક યુવક પર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરાયાની ફરિયાદ નોંધાઈ છે. બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા મુકેશભાઈ ગોવિંદભાઈ સોલંકીને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ફરિયાદ મુજબ, ચેલા-02 પી.ટી.સી. કોલેજ મારવાડી વાસ વિસ્તારમાં રહેતા કાનાભાઈ ગોવિંદભાઈ સોલંકી અને તેમના ભાઈ નરેશભાઈ ભંગારની ફેરીનું કામ કરવા બહાર ગયા હતા. દરમિયાન સાંજના સમયે કાનાભાઈની પત્નીનો ફોન આવ્યો હતો કે, મોટા ભાઈ મુકેશભાઈને પાડોશમાં રહેતા રતીભાઈ સોલંકીના પુત્રો સાથે માથાકૂટ થઈ છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મુકેશભાઈએ પાડોશમાં રહેતા નવઘણ રતીભાઈ સોલંકી અને જગમાલ રતીભાઈ સોલંકીની માતા લખીબેનને તેમના કબૂતરો વારંવાર પોતાના ઝુપડા પર આવી બેસતા હોવાની અને કબૂતરો ઉડાડવા માટે બંને ભાઈઓ દ્વારા ઝુપડા પર પથ્થર તથા છૂટા ચપ્પલના ઘા કરવામાં આવતા હોવાની વાત કરી સમજાવ્યા હતા. ત્યારબાદ મુકેશભાઈ પોતાના ઝુપડા પાસે પરત આવ્યા હતા.
આ પછી નવઘણ, જગમાલ અને તેમની માતા લખીબેન ત્યાં આવી મુકેશભાઈ સાથે બોલાચાલી કરી ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યા હોવાનો આક્ષેપ છે. દરમિયાન જગમાલે બાજુમાં પડેલો લાકડાનો ધોકો ઉઠાવી પાછળથી મુકેશભાઈના માથામાં મારતાં તેઓ નીચે પટકાયા હતા અને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ ત્રણેયે મળી લાત-મુક્કા તથા લાકડાના ધોકા વડે માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
મુકેશભાઈને બચાવવા માટે પરિવારજનો વચ્ચે પડતાં હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં 112 અને 108ને જાણ કરવામાં આવતાં એમ્બ્યુલન્સ મારફતે મુકેશભાઈને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથાના ભાગે ટાંકા લઈ સારવાર શરૂ કરવામાં આવી હતી. બનાવ અંગે કાનાભાઈ સોલંકીની ફરિયાદના આધારે પોલીસે નવઘણ રતીભાઈ સોલંકી, જગમાલ રતીભાઈ સોલંકી અને લખીબેન સામે કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt