
ભાવનગર, 27 ઓગસ્ટ (હિ.સ.)સરકારી માધ્યમિક શાળા-રેવા ખાતે ભારતીય સંસ્કૃતિના પવિત્ર તહેવાર રક્ષાબંધનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ-બહેનના પ્રેમ, સ્નેહ, વિશ્વાસ અને રક્ષણના પવિત્ર બંધનને ઉજાગર કરતો સુંદર કાર્યક્રમ શાળા પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો.
રક્ષાબંધન નિમિત્તે શાળાની વિદ્યાર્થિની બહેનો પોતાના ઘરેથી વિવિધ પ્રકારની સુંદર રાખડીઓ લઈને આવી હતી. વિદ્યાર્થિનીઓએ શાળાના વિદ્યાર્થી ભાઈઓને રાખડી બાંધી ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનું પ્રતીક રજૂ કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાઈઓએ પણ બહેનો પ્રત્યે પ્રેમ, સન્માન અને લાગણી વ્યક્ત કરી હતી. તેમણે બહેનોને ભેટ સ્વરૂપે પેન, પેન્સિલ તથા પુસ્તકો આપી રક્ષાબંધનની ઉજવણીને યાદગાર બનાવી હતી.
કાર્યક્રમ દરમિયાન રક્ષાબંધન પર્વના ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો તહેવાર નથી, પરંતુ પરસ્પર પ્રેમ, સન્માન, વિશ્વાસ અને એકબીજાની રક્ષા કરવાની જવાબદારીનો સંકલ્પ લેવાનો પવિત્ર અવસર છે, તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળા પરિસરમાં આનંદ, સ્નેહ અને ભાઈચારાનું વાતાવરણ છવાયું હતું. રક્ષાબંધનની આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સંસ્કાર પ્રત્યે આદરભાવ કેળવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળા પરિવારની આ પહેલથી વિદ્યાર્થીઓને તહેવારની ઉજવણી સાથે સામાજિક અને નૈતિક મૂલ્યોનો પણ સંદેશ મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA