

કચ્છ, 30 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામ: પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરફેર સામે પોલીસ દ્વારા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આદિપુરમાં ઝડપાયેલા ડુપ્લીકેટ દારૂ બનાવવાના ગુનામાં તપાસને વધુ સફળતા મળી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ ગાંધીધામ અને આદિપુર પોલીસની સંયુક્ત ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીના આધારે વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે સમગ્ર ગુનામાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આદિપુર પોલીસ સ્ટેશનમાં તા. 25 ઓગસ્ટ 2026ના રોજ ડુપ્લીકેટ દારૂ બનાવવાના ગંભીર મામલે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ પોલીસે તેની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને કોર્ટમાંથી તેમના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. પૂછપરછ તથા તપાસ આગળ વધતાં સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ અંગે મહત્વની વિગતો પોલીસના હાથે આવી હતી.
આ માહિતીના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસ ટીમોએ ટેકનિકલ માહિતી તેમજ વિશ્વસનીય ખાનગી બાતમીદારો પાસેથી મળેલી વિગતોને આધારે તપાસનો વ્યાપ વધાર્યો હતો. અંતે વધુ બે આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી અને બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં ચંદનકુમાર સરોજ સ/ઓ મનુ સરોજ પાસી, રહે. ઉદપુર પિંડાવાર, વારાણસી, ઉત્તરપ્રદેશ તથા પ્રશાંત સ/ઓ સુભાષચંદ્ર દુબે, રહે. કેરાત, જલાલપુર, ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે.
પોલીસની કાર્યવાહી બાદ હવે ડુપ્લીકેટ દારૂ બનાવવાના આ નેટવર્ક સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે અને સમગ્ર પ્રવૃત્તિનું સંચાલન કેવી રીતે થતું હતું તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે. આદિપુર પોલીસ અને એલસીબી દ્વારા પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરીને ગુનાની કડીઓ જોડવામાં આવી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, આદિપુર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળા, પીએસઆઈ ડી.જી. પટેલ સહિત એલસીબી અને આદિપુર પોલીસ સ્ટાફે હાથ ધરી હતી. પોલીસ દ્વારા ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને શોધવા માટેની કાર્યવાહી હજુ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar