
કચ્છ, 30 ઓગસ્ટ (હિ.સ.) : અંજાર શહેર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. દરમિયાન અંજારના વરસામેડી વિસ્તારમાં બાવળની ઝાડીમાં જાહેરમાં ગંજીપાનાથી રૂપિયાની હારજીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે અંજાર પોલીસે દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહીમાં રોકડ રકમ સહિત કુલ રૂ.43,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલિંગ સમયે બાતમી મળી હતી કે વરસામેડી સીમ વિસ્તારમાં ક્રિષ્નાપાર્ક સોસાયટી નજીક આવેલી બાવળની ઝાડીમાં કેટલાક શખ્સો ભેગા થઈ ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ટીમ સાથે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી, જોકે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
પોલીસે સ્થળ પરથી આલોકકુમાર હરેન્દ્ર પ્રસાદ, કલિમહુશેન અદીશ મીયા, મોહિત કમલેશભાઈ ગોસ્વામી અને બળવંત વશરામભાઈ ઠાકોરને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રૂ.15,600 રોકડા, ચાર મોબાઈલ ફોન કિંમત રૂ.28,000 તથા ગંજીપાનાના 52 પત્તા મળી કુલ રૂ.43,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 11993003261155/2026 હેઠળ જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એ. જાડેજાની દેખરેખ હેઠળ અંજાર પોલીસ સ્ટાફે સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. અંજાર પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar