સસ્તુ સોનું આપવાની લાલચ આપી રૂ.32 લાખની ઠગાઈ! ભુજ LCBએ ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી રોકડ રકમ રિકવર કરી
કચ્છ, 30 ઓગસ્ટ (હિ.સ.) : ભુજ શહેરમાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ બતાવી મોટી રકમ પડાવી લેવાના ઠગાઈના બનાવનો ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોને ઝડપી પાડી ઠગાઈથી મેળવવામાં આવેલી રૂ.32
સસ્તા સોનાની ચિટીંગ કેસના આરોપીઓ


કચ્છ, 30 ઓગસ્ટ (હિ.સ.) : ભુજ શહેરમાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ બતાવી મોટી રકમ પડાવી લેવાના ઠગાઈના બનાવનો ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોને ઝડપી પાડી ઠગાઈથી મેળવવામાં આવેલી રૂ.32 લાખની રોકડ રકમ રિકવર કરી છે. સાથે જ પાંચ મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે.

આ મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં તા.28 ઓગસ્ટ, 2026ના રોજ ગુનો નોંધાયો હતો. ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીઓને ઝડપી પાડવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

આ દરમિયાન LCBની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ શખ્સોની હિલચાલ પર નજર રાખી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસના આધારે મહમદહનીફ ઉર્ફે મીઠીયો નુરમામદ સોઢા, અલીમામદ નુરમામદ સોઢા, અમીન મહમદહનીફ ઉર્ફે મીઠીયો સોઢા અને અબ્દુલ્લા ઉર્ફે અબ્દલ મીસરી ઉર્ફે જાની સુમરા નામના ચાર આરોપીઓને ઝડપી લેવાયા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ.32 લાખ રોકડા અને રૂ.25 હજારની કિંમતના પાંચ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી ઠગાઈમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ કામગીરીમાં ASI શ્યામભાઈ ગઢવી, HC કાનજીભાઈ ડોડીયા, રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande