કચ્છમાં છુપાઈ બેઠેલા હનીટ્રેપના બે આરોપીઓ ઝડપાયા: જોધપુર પોલીસના ગુનામાં વોન્ટેડ આરોપીઓને LCB પશ્ચિમ કચ્છે સ્કોર્પિયો સાથે દબોચ્યા
કચ્છ, 30 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છમાં નાસતા ફરતા રાજસ્થાનના હનીટ્રેપ કેસના બે આરોપીઓને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડતા પોલીસને મહત્વની સફળતા મળી છે. જોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ એવા બંને આરોપીઓ કચ્છમાં હોવાની બાતમીના આધાર
જોધપુર હની ટ્રેપ કેસના આરોપીઓ


કચ્છ, 30 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છમાં નાસતા ફરતા રાજસ્થાનના હનીટ્રેપ કેસના બે આરોપીઓને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડતા પોલીસને મહત્વની સફળતા મળી છે. જોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ એવા બંને આરોપીઓ કચ્છમાં હોવાની બાતમીના આધારે એલસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં જોધપુર ખાતે રહેતો 24 વર્ષીય મનોજ બાબુલાલ બિશ્નોઈ અને 22 વર્ષીય માગીલાલ ભગવાનારામ બિશ્નોઈનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ વિરુદ્ધ રાજસ્થાનના જોધપુર પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ સંબંધિત ગંભીર ગુનો નોંધાયેલો હતો અને ગુનો દાખલ થયા બાદ બંને પોલીસથી બચવા માટે નાસતા ફરતા હતા.

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી માહિતીના આધારે આરોપીઓની હિલચાલ અંગે તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ટીમે ચોક્કસ આયોજન સાથે કાર્યવાહી કરીને બંને શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી બે મોબાઇલ ફોન તેમજ મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો કાર મળી આવી હતી, જેને પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી માટે રજૂ કરી છે.

જોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર 160/26માં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 351(2), 308(2) તથા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66(C) અને 66(E) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હનીટ્રેપ જેવા ગુનામાં આરોપીઓની સંડોવણીને પગલે રાજસ્થાન પોલીસ દ્વારા તેમની શોધખોળ ચાલી રહી હતી.

LCB પશ્ચિમ કચ્છની કાર્યવાહી બાદ બંને આરોપીઓને કાયદેસરની આગળની કાર્યવાહી માટે રાજસ્થાન પોલીસને રૂબરૂ સોંપવામાં આવ્યા છે. આ કામગીરીથી અન્ય રાજ્યના ગુનામાં વોન્ટેડ આરોપીઓ કચ્છમાં આશરો લેતા હોય તો તેમને ઝડપી પાડવા પોલીસની સતર્કતા પણ સ્પષ્ટ થઈ છે.

આ સમગ્ર કાર્યવાહીમાં ASI અનિરૂધ્ધસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા રણજીતસિંહ જાડેજાએ મહત્વની કામગીરી બજાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande