

કચ્છ, 30 ઓગસ્ટ (હિ.સ.) : નખત્રાણા | આજના સમયમાં રસ્તામાં મળેલી કિંમતી વસ્તુ પોતાના ઉપયોગમાં લઈ લેવાની માનસિકતા જોવા મળે છે, ત્યારે નખત્રાણાના એક યુવાને પોતાની પ્રામાણિકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભુજથી નખત્રાણા તરફ આવી રહેલા ઓમ નીતિનભાઈ ઠક્કરને માનકુવા રોડ પર વૃંદાવન રિસોર્ટ નજીક રસ્તા પર પડેલું એક પર્સ મળી આવ્યું હતું. પર્સમાં રોકડ રકમ સાથે સોનાના દાગીના અને ચાંદીની વીંટી હોવાથી તેમણે તેને પોતાના પાસે રાખવાને બદલે તેના સાચા માલિક સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો હતો.
મળતી માહિતી મુજબ, ભાવનગરથી એક મહિલા રક્ષાબંધનના પર્વ નિમિત્તે માનકુવા ખાતે પોતાના ભાઈના ઘરે આવી હતી. આ દરમિયાન તેઓ એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું પર્સ રસ્તામાં પડી ગયું હતું. મહિલા આગળ નીકળી જતા તેમને પર્સ પડી ગયાની જાણ થઈ નહોતી. ઓમ નીતિનભાઈને આ પર્સ મળતાં તેમણે મહિલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રાફિકના કારણે મહિલા નજરથી દૂર થઈ ગઈ હતી.
ત્યારબાદ ઓમ નીતિનભાઈ પર્સ લઈને નખત્રાણા ખાતે પોતાના ઘરે પહોંચ્યા હતા. પર્સ ખોલીને તપાસ કરતાં તેમાં એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં મોબાઇલ નંબર લખેલો હતો. આ નંબરના આધારે તેમણે પર્સના માલિકનો સંપર્ક સાધ્યો હતો. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે પર્સ એક એવી મહિલા સાથે સંબંધિત હતું, જે રક્ષાબંધન ઉજવવા ભાવનગરથી માનકુવા ખાતે પોતાના ભાઈના ઘરે આવી હતી.પર્સમાં તપાસ કરતાં બે સોનાના બુટિયા, એક ચાંદીની વીંટી અને રૂ. 1700 રોકડા મળી આવ્યા હતા. કિંમતી દાગીના અને રોકડ રકમ હોવા છતાં ઓમ નીતિનભાઈએ કોઈ લાલચ રાખ્યા વિના તમામ સામાન મૂળ માલિક સુધી પહોંચાડવા કાર્યવાહી કરી હતી.
પર્સના માલિક પ્રદીપસિંહ ગોહિલ, મૂળ ભાવનગર, તરફથી તેમના પરિવારજનો દ્વારા પર્સ મેળવવામાં આવ્યું હતું. મહિલા વતી તેમના ભાઈ મનુભા ભગવાનજી જાડેજાએ નખત્રાણા ખાતે પહોંચી પર્સ પરત મેળવ્યું હતું. કિંમતી દાગીના અને રોકડ સહિતનું પર્સ સુરક્ષિત રીતે પરત કરીને ઓમ નીતિનભાઈ ઠક્કરે સમાજમાં પ્રામાણિકતા અને માનવતાનો સુંદર સંદેશ આપ્યો છે. તેમના આ કાર્યની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar