


ઉના/અમદાવાદ,31 ઓગસ્ટ (હિ.સ.) ઉના નજીક છ ખલાસીઓ સાથે બોટ દરિયામાં ગરકાવ,જીવ બચાવવા ખલાસીઓ પાણીમાં કૂદી પડ્યા. દરિયામાં અચાનક મોજાની જોરદાર થપાટ લાગતાં બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું. બોટમાં સવાર ટંડેલ સહિત છ ખલાસીઓએ જીવ બચાવવા દરિયામાં કૂદી પડવું પડ્યું હતું.
ઉના તાલુકાના નવાબંદર દરિયાકાંઠાથી આશરે 8 નોટિકલ માઈલ દૂર દરિયામાં માછીમારી દરમિયાન એક ફિશિંગ બોટ અચાનક ડૂબી જતાં ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ, આરીફ મોહમ્મદની માલિકીની ફિશિંગ બોટ છ ખલાસીઓ સાથે નવાબંદર નજીકના દરિયામાં માછીમારી કરી રહી હતી. દરમિયાન અચાનક દરિયામાં મોજાની જોરદાર થપાટ લાગતાં બોટમાં પાણી ઘૂસવા લાગ્યું હતું. પાણીનો પ્રવાહ વધતાં બોટ ધીમે ધીમે ડૂબવા લાગી હતી અને પરિસ્થિતિ ગંભીર બની હતી.
બોટ ઝડપથી ડૂબી રહી હોવાનું જણાતાં ટંડેલ સહિત છ ખલાસીઓએ કોઈપણ પ્રકારનું જોખમ ન લેતા પોતાનો જીવ બચાવવા દરિયામાં કૂદી પડવાનો નિર્ણય કર્યો હતો. છ ખલાસીઓ દરિયામાં પડતાં આસપાસ માછીમારી કરી રહેલી અન્ય ફિશિંગ બોટોના ખલાસીઓનું ધ્યાન તેમના તરફ ગયું હતું.
ઘટનાની ગંભીરતા સમજી નજીકમાં માછીમારી કરી રહેલી અન્ય ફિશિંગ બોટના ખલાસીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બચાવ કામગીરી હાથ ધરી દરિયામાં પડેલા તમામ છ ખલાસીઓને સુરક્ષિત રીતે અન્ય ફિશિંગ બોટમાં ખેંચી લેવામાં આવ્યા હતા. સમયસર મદદ મળી જતાં ટંડેલ સહિત તમામ છ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો.
જોકે, ખલાસીઓનો બચાવ કરવામાં સફળતા મળી હતી, પરંતુ ફિશિંગ બોટને બચાવી શકાયી નહોતી. જોતજોતામાં બોટે દરિયામાં જળસમાધિ લઈ લીધી હતી. બોટ સાથે માછીમારીના જાળ-સાધનો સહિત અન્ય ચીજવસ્તુઓ પણ દરિયામાં તણાઈ ગઈ હતી. જેના કારણે બોટના માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બોટ જળસમાધિ લીધા બાદ તેને અન્ય ફિશિંગ બોટોની મદદથી દરિયાકાંઠે પરત લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાના લાઈવ દૃશ્યો પણ સામે આવ્યા છે, જેમાં ફિશિંગ બોટ દરિયામાં ડૂબતી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ