
પાટણ, 31 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુરના રાજપુર ખાતે આવેલી પ્રાથમિક કુમાર શાળા નં. 7માં 31 ઓગસ્ટ, 2026ના રોજ જ્ઞાનવર્ધક પ્રશ્નમંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય પૌરાણિક ગ્રંથો રામાયણ અને મહાભારત પર આધારિત આ સ્પર્ધામાં ધોરણ 6થી 8ના કુલ 16 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધકોને ચાર ટીમોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા, જેમાં ટીમોના નામ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ રાખવામાં આવ્યા હતા.
સ્પર્ધા પહેલાં વિદ્યાર્થીઓને તૈયારી માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ નિયત નિયમો અનુસાર પ્રશ્નમંચ યોજાયો હતો. સમગ્ર સ્પર્ધાનું સંચાલન શાળાના શિક્ષક દીપકભાઈ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે મૂલ્યાંકનની જવાબદારી ભાવિકાબેન ચૌધરીએ સંભાળી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે વિવિધ પ્રશ્નોના જવાબ આપી પોતાની જ્ઞાનક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.
પ્રશ્નમંચ દરમિયાન ઉપસ્થિત શ્રોતાઓને પણ પ્રશ્નો પૂછીને કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી કરવાની તક આપવામાં આવી હતી. જેના કારણે સમગ્ર કાર્યક્રમ વધુ રસપ્રદ અને જ્ઞાનવર્ધક બન્યો હતો. વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પૌરાણિક ગ્રંથો અને નૈતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી યોજાયેલ આ સ્પર્ધા સુચારુ રીતે સંપન્ન થઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ