
પાટણ, 31 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુરની ગોકુલ સાર્વજનિક આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના હેતુથી સુવર્ણ પ્રાસન કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન ગોકુલ ગ્લોબલ ગુજરાતી-ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ તેમજ રાજપુર નગરપાલિકાની કુમાર શાળા નંબર-7 અને કન્યા શાળા નંબર-4ના કુલ 1430 બાળકોને આયુર્વેદિક પદ્ધતિથી સુવર્ણ પ્રાસન આપવામાં આવ્યું હતું.
આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં સુવર્ણ પ્રાસનને બાળકોના શારીરિક અને માનસિક વિકાસ તેમજ રોગપ્રતિકારક ક્ષમતા સુધારવા માટે ઉપયોગી માનવામાં આવે છે. નિષ્ણાતોની દેખરેખ હેઠળ નિર્ધારિત પદ્ધતિ મુજબ બાળકોને સુવર્ણ પ્રાસન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને શાળા પરિવારનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
બાળકોના સર્વાંગી વિકાસ અને તંદુરસ્તી માટે યોજાયેલા આ આરોગ્યલક્ષી અભિયાનને વાલીઓ અને શાળા પરિવારે પણ સહકાર આપ્યો હતો. ગોકુલ સાર્વજનિક આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આવા આરોગ્યલક્ષી કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ