
પાટણ, 31 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર લઠ્ઠાકાંડને થોડા જ દિવસો થયા છે, ત્યાં પાટણના ચાણસ્મા તાલુકાના ભાટસર અને ઈટોદા ગામમાં શંકાસ્પદ દારૂ પીધા બાદ બે લોકોના મોતની ઘટના સામે આવી છે. ભાટસરમાં રમેશભાઈ રાવળ અને ઈટોદામાં લાભુજી ઠાકોરના મોત થયા હોવાનું પરિવારજનોનો દાવો છે.
મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવા પહોંચેલા સ્થાનિક ધારાસભ્ય દિનેશ ઠાકોરે પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે તાલુકાના અનેક ગામોમાં દારૂ, જુગાર અને વર્લી મટકાના અડ્ડા પોલીસની મિલીભગતથી ચાલતા હોવાની ફરિયાદો છતાં નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
ધારાસભ્યના જણાવ્યા મુજબ, LCB PIની અન્ય જિલ્લામાં બદલી થયાને 6થી 7 મહિના વીતી ગયા હોવા છતાં તેમને છૂટા કરવામાં આવ્યા નથી. આ મુદ્દે ગૃહ સચિવને રજૂઆત કર્યા બાદ DGP ગુજરાતને કાર્યવાહી કરવા સૂચના અપાઈ હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. LCBના કેતન પટેલ નામના કોન્સ્ટેબલ સામે પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકલનના આક્ષેપો થયા છે, જોકે તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
મૃતક રમેશભાઈના પુત્ર સુમિતભાઈ રાવળે જણાવ્યું કે તેમના પિતા છેલ્લા 8થી 10 વર્ષથી દારૂનું સેવન કરતા હતા અને તાજેતરમાં દારૂ પીધા બાદ તેમનું મૃત્યુ થયું હતું. ગામ તથા આસપાસ દારૂના વેચાણ અંગે અગાઉ પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં કાર્યવાહી ન થઈ હોવાનો તેમણે દાવો કર્યો છે.
ઈટોદા ગામના મૃતક લાભુજી ઠાકોરની પત્ની ક્રિષ્ણાબેને જણાવ્યું કે બુધવારે સાંજે તેમના પતિનું દારૂ પીવાના કારણે મોત થયું હતું. પરિવારમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. પરિવારના કમાનાર સભ્યના મોતથી પરિવાર સામે આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે. સ્થાનિકોએ ગામમાંથી દારૂનું દૂષણ દૂર કરવાની માંગ કરી છે.
બીજી તરફ, પાટણ જિલ્લા પોલીસ વડા વી. કે. નાયીએ પાટણમાં લઠ્ઠાકાંડ થયો હોવાના અહેવાલોને ખોટા ગણાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ બંને મોત અલગ-અલગ ગામમાં 4થી 5 દિવસ અગાઉ થયા હતા. પોલીસને આ અંગે કોઈ જાણ કરવામાં આવી નહોતી અને બંનેમાંથી કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા નહોતા. બંને ગામમાં દારૂ વેચાતો હોવાની કોઈ હિસ્ટ્રી ન હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
પોલીસ વડાએ જણાવ્યું કે છેલ્લા એક મહિનામાં પાટણ જિલ્લામાં આશરે 696 પ્રોહિબિશન કેસ કરવામાં આવ્યા છે અને રૂ.1.60 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે. જોકે, બંને મૃતકોના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા હોવાથી મોતનું ચોક્કસ કારણ જાણવા માટે હોસ્પિટલ આધારિત વિગતો ઉપલબ્ધ નથી. તેથી દારૂના કારણે મોત થયા કે અન્ય કોઈ કારણસર, તે અંગે સત્તાવાર સ્પષ્ટતા હજુ બાકી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ