
નવસારી, 31 ઓગસ્ટ (હિ.સ.): નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ–ઓઇલપામ (NMEO-OP) અંતર્ગત નાયબ બાગાયત નિયામકની કચેરી, નવસારી દ્વારા અમલસાડ વિ.વિ.કા.સ. ખેડૂત મંડળી લિમિટેડ, તા. ગણદેવી ખાતે ઓઇલ પામની ખેતી વિષય પર એક દિવસીય “ખેડૂત તાલીમ” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નવસારી જિલ્લાના જલાલપોર, નવસારી અને ગણદેવી તાલુકાની વિવિધ મંડળીઓના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સેક્રેટરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાલીમ દરમિયાન નાયબ બાગાયત નિયામક દિનેશ પડાલિયા દ્વારા ખેડૂતોને ઓઇલ પામની વૈજ્ઞાનિક વાવેતર પદ્ધતિ, સરકારી સબસિડી, ગુણવત્તાયુક્ત રોપાઓ તેમજ ચાર વર્ષ સુધી આંતરપાક લઈ શકાય તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પતંજલિ ફૂડ્સ કંપની, આણંદના મેનેજર ભાનુ પ્રતાપએ ખેડૂતોને ઉત્પાદિત ફ્રેશ ફ્રુટ બંચ (FFB)ની ગેરંટીડ ખરીદી (Assured Buyback), નિર્ધારિત દર, બજાર વ્યવસ્થાપન અને પ્રોસેસિંગ અંગે માહિતી આપી હતી.
આ પ્રસંગે ખેરગામ તાલુકાના વાડ ગામના પ્રગતિશીલ ખેડૂત અનિલસિંહ ઠાકોરે પોતાના સફળ અનુભવ અંગે જણાવ્યું હતું કે, વર્ષ 2016માં 2 હેક્ટર વિસ્તારમાં 286 ઓઇલ પામના રોપા વાવીને શરૂઆત કરી હતી. છેલ્લા 10 વર્ષથી ઓઇલ પામના પાક થકી તેમને નિયમિત અને સતત આવક મળી રહી છે. પતંજલિ કંપનીની ગેરંટીડ ખરીદીને કારણે દર મહિને સીધી બેંક ખાતામાં ચુકવણી મળતી હોવાથી બજારના ઉતાર-ચઢાવનો સામનો કરવો પડતો નથી.
ખેરગામ તાલુકાના આછવણી ગામના ખેડૂત મહેશ ગુલાબએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઓઇલ પામનું વાવેતર કરી મેળવેલા પોતાના સફળ અનુભવની માહિતી અન્ય ખેડૂતો સાથે શેર કરી હતી.
ઓઇલ પામમાં ગેરંટીડ ખરીદી, ઓછા શ્રમ અને ઓછી મજૂરીથી વધુ આવકની શક્યતા તેમજ બાગાયત વિભાગ દ્વારા બોરવેલ અને ટ્રેક્ટર જેવા ઘટકોમાં મળતી સહાય અંગે માહિતી મેળવવા વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે