
મહેસાણા, 31 ઓગસ્ટ, 2026 (હિ.સ.) ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા બહુચરાજી અને સુરત વચ્ચે નવી સ્લીપર બસ સેવા શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય ડો. સુખાજી ઠાકોરે બહુચરાજીથી ડિંડોલી (સુરત) સુધીની આ નવી સ્લીપર કોચ સેવાનું લોકાર્પણ કર્યું હતું. નવી બસ સેવા શરૂ થવાથી ઉત્તર ગુજરાત અને સુરત વચ્ચે નિયમિત મુસાફરી કરતા લોકોને વધુ આરામદાયક અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળ્યો છે.
આ નવી બસ સેવા દરરોજ રાત્રે બહુચરાજીથી 7:50 કલાકે ઉપડશે અને મોઢેરા, મહેસાણા, અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર તથા સુરત (CBS) થઈને ડિંડોલી (સુરત) પહોંચશે. જ્યારે પરત ફરતી વખતે બસ ડિંડોલી (સુરત)થી રાત્રે 8:45 કલાકે ઉપડી આ જ માર્ગે બહુચરાજી પરત આવશે.
સ્લીપર કોચ હોવાને કારણે લાંબી રાત્રિ મુસાફરી દરમિયાન મુસાફરોને બેસવાની સાથે આરામદાયક રીતે સૂવાની સુવિધા પણ મળશે. ખાસ કરીને નોકરી, વ્યવસાય, શિક્ષણ તેમજ અન્ય કામકાજ માટે સુરત અને ઉત્તર ગુજરાત વચ્ચે વારંવાર મુસાફરી કરતા લોકો માટે આ સેવા ઉપયોગી સાબિત થવાની અપેક્ષા છે.
બહુચરાજીથી સુરતને સીધી જોડતી આ નવી બસ સેવા શરૂ થતાં સ્થાનિક મુસાફરોમાં સંતોષ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સુરત વચ્ચે મુસાફરીની સુવિધામાં વધારો થવાથી જાહેર પરિવહનને પણ પ્રોત્સાહન મળશે. નવી સ્લીપર બસ સેવા મુસાફરોને આરામદાયક, સલામત અને સુવિધાજનક મુસાફરીનો લાભ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR