
મહેસાણા, 31 ઓગસ્ટ, 2026 (હિ.સ.) ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જે.સી. પરમારની આગેવાની હેઠળ વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખોખરવાડા સંઘ પાસેના સર્કલથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે નીકળ્યા હતા. દરમિયાન કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી મામલતદાર કચેરી પહોંચી આવેદનપત્ર સુપરત કર્યું હતું.
આ પ્રસંગે કોંગ્રેસ નેતા મુકેશ દેસાઈએ આવશ્યક ચીજવસ્તુઓના વધતા ભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ખાંડ, ચા, ગોળ, તેલ અને ડુંગળી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક ભાર વધ્યો હોવાનું જણાવી સરકારને ભાવ નિયંત્રણ માટે જરૂરી પગલાં ભરવા રજૂઆત કરી હતી.
આ ઉપરાંત ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. તાલુકા કોંગ્રેસ પ્રમુખ જે.સી. પરમારે લઠ્ઠાકાંડ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની સાથે દોષિત પોલીસકર્મીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
રેલી અને આવેદન કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા મુકેશ દેસાઈ, તાલુકા પ્રમુખ જે.સી. પરમાર, ખેરાલુ શહેર કોંગ્રેસ પ્રમુખ વિજય દેસાઈ, ખેરાલુ પાલિકાના કોંગ્રેસ કોર્પોરેટરો, કોંગ્રેસ સમર્થિત સરપંચો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ આગેવાનો દ્વારા મોંઘવારીના કારણે સામાન્ય નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા તેમજ ભાવનગર લઠ્ઠાકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR