મહેસાણા જિલ્લા અને તાલુકા અદાલતોમાં 12 સપ્ટેમ્બરે નેશનલ લોક અદાલત યોજાશે
મહેસાણા, 31 ઓગસ્ટ, 2026 (હિ.સ.) મહેસાણા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી 12 સપ્ટેમ્બરના રોજ મહેસાણા જિલ્લા અદાલત સહિત તાલુકા કક્ષાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગ
મહેસાણા જિલ્લા અને તાલુકા અદાલતોમાં 12 સપ્ટેમ્બરે નેશનલ લોક અદાલત યોજાશે


મહેસાણા, 31 ઓગસ્ટ, 2026 (હિ.સ.)

મહેસાણા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી 12 સપ્ટેમ્બરના રોજ મહેસાણા જિલ્લા અદાલત સહિત તાલુકા કક્ષાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ યોજાનારી લોક અદાલતનો પ્રારંભ સવારે 10:30 કલાકે થશે.

લોક અદાલતમાં વિવિધ પ્રકારના સમાધાનપાત્ર કેસો રજૂ કરી શકાશે. જેમાં સમાધાનપાત્ર ફોજદારી કેસો, મોટર અકસ્માત વળતર દાવા, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળના ચેક રિટર્ન કેસો, ભરણપોષણ અને ફેમિલી કેસો, જમીન વળતર, મજૂર કાયદા સંબંધિત કેસો, મહેસૂલી તકરાર તેમજ વીજળી અને પાણીના બિલ સંબંધિત કેસોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ભાડા, બેંક વસુલાત, સુખાધિકાર, મનાઈ હુકમ, દેવા વસુલાત સહિતના દિવાની તકરારના તથા અન્ય સમાધાનલાયક કેસો પણ લોક અદાલતમાં મુકવામાં આવી શકશે.

પોતાના પેન્ડિંગ કેસો લોક અદાલતમાં મુકવા ઇચ્છતા પક્ષકારોએ 9 સપ્ટેમ્બર, 2026 સુધીમાં અથવા તે પહેલાં સંબંધિત કોર્ટ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મહેસાણા અથવા તાલુકા કક્ષાની તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે.

કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમના નિયમ-21 હેઠળ લોક અદાલતમાં કેસનું સમાધાન અથવા પતાવટ થાય તો કોર્ટ ફી પરત મળવાપાત્ર થઈ શકે છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તમામ સંબંધિત પક્ષકારોને લોક અદાલતનો લાભ લઈ પોતાના કેસોનું સુખદ નિવારણ લાવવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande