
મહેસાણા, 31 ઓગસ્ટ, 2026 (હિ.સ.) કચ્છના ભુજ તાલુકાના મોખાણા ગામના કરોતરા પરિવારે મહેસાણાના વાળીનાથ ધામ ખાતે પોતાના 6 વર્ષના પુત્ર શ્રીયાંશને વાળીનાથ મહાદેવના ચરણે અર્પણ કર્યો હતો. ધર્મ અને સંસ્કારના માર્ગે પુત્રને આગળ વધારવાના સંકલ્પ સાથે પરિવાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મોખાણા ગામના વિસા કરમશી કરોતરા અને સોનીબેનના ત્રણ પુત્રો પૈકી શ્રીયાંશ સૌથી નાનો છે. પરિવારના જણાવ્યા મુજબ, કોઈ માનતા કે દબાણ વગર માત્ર શ્રદ્ધા અને ધાર્મિક ભાવનાથી પુત્રને વાળીનાથ મહાદેવને અર્પણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. શ્રીયાંશના કાકા મંગલ રબારીએ જણાવ્યું કે, પરિવારનો વાળીનાથ ધામ સાથે આશરે 40 વર્ષથી નાતો છે.
દીકરાને અર્પણ કરતા પહેલાં સવારે હાઈવે પરથી વાળીનાથ ધામ સુધી શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં પરિવારજનો ઉપરાંત રબારી સમાજના લોકો પરંપરાગત કચ્છી પહેરવેશમાં જોડાયા હતા. ભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે લોકોએ ગરબા રમી પ્રસંગની ઉજવણી કરી હતી.
શોભાયાત્રા વાળીનાથ ધામ પહોંચ્યા બાદ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા શ્રીયાંશને વાળીનાથ મહાદેવના ચરણે અર્પણ કરવામાં આવ્યો હતો. વાળીનાથ ધામના ગાદીપતિ મહંત જયરામગીરી બાપુએ શ્રીયાંશને આશીર્વાદ આપી તેનું નામ ‘શ્રીયાંશગિરિ’ રાખ્યું હતું. તેને કપડાં અને રમકડાંની ભેટ પણ આપવામાં આવી હતી.
મહંત જયરામગીરીના જણાવ્યા મુજબ, સનાતન ધર્મમાં રબારી સમાજ સહિત કેટલાક પરિવારો દ્વારા સંત પરંપરાને આગળ વધારવાના હેતુથી બાળકોને મંદિરમાં અર્પણ કરવાની પરંપરા જોવા મળે છે. છેલ્લા પાંચેક વર્ષમાં આવા આશરે 5 બાળ સંતોને વાળીનાથ ધામમાં અર્પણ કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR