
મહેસાણા, 31 ઓગસ્ટ, 2026 (હિ.સ.)
વિસનગર નગરપાલિકાની ચૂંટણી બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં શહેરના વિકાસને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. પાલિકા પ્રમુખ આશાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી સભામાં રોડ, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ સહિતના કુલ 108 વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી.
વિવિધ સરકારી યોજનાઓ હેઠળ મળનારી કરોડોની ગ્રાન્ટના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રૂ.8 કરોડ, આગવી ઓળખ ઘટક હેઠળ રૂ.15 કરોડ, આઉટગ્રોથ વિસ્તારના વિકાસ માટે રૂ.8 કરોડ અને SJMMSVY હેઠળ રૂ.13.50 કરોડના કામોનો સમાવેશ થાય છે. ઉપરાંત સ્વચ્છ ભારત મિશન હેઠળ રૂ.1.25 કરોડ તથા વરસાદથી નુકસાન પામેલા રસ્તા અને ગટરના પુનઃસ્થાપન માટે રૂ.1 કરોડના કામોને મંજૂરી અપાઈ હતી.
વોર્ડ નં.1થી 9ના સભ્યોની દરખાસ્તોના આધારે 100થી વધુ સોસાયટીઓમાં સી.સી. રોડ, પેવર બ્લોક, ડ્રેનેજ અને પીવાના પાણીની પાઈપલાઈન સહિતના કામો હાથ ધરાશે. શહેરમાં નવો અદ્યતન ટાઉનહોલ તથા સબ મોડલ ફાયર સ્ટેશન બનાવવા પણ નિર્ણય લેવાયો હતો.
ડોસાભાઈ બાગ અને પીંડાળીયા તળાવમાં બાળ ક્રીડાંગણ તથા સિનિયર સિટીઝન પાર્કના સાધનોનું સમારકામ અને નવા સાધનોની ખરીદી કરાશે. સભામાં પ્રમુખ સહિત પાલિકાના સભ્યો અને ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR