આંતરિક વિવાદો માં કુણવદર ગામનો વિકાસ અટક્યો.
પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લાના કુણવદર ગામમાં વિકાસના કામો અંગે ગંભીર સવાલો ઉઠ્યા છે. ગામમાં લાંબા સમયથી તલાટી મંત્રીની નિમણૂક ન થતાં ગ્રામજનોને સામાન્ય સરકારી કામગીરી માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અ
આંતરિક વિવાદો માં કુણવદર ગામનો વિકાસ અટક્યો.


આંતરિક વિવાદો માં કુણવદર ગામનો વિકાસ અટક્યો.


પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લાના કુણવદર ગામમાં વિકાસના કામો અંગે ગંભીર સવાલો ઉઠ્યા છે. ગામમાં લાંબા સમયથી તલાટી મંત્રીની નિમણૂક ન થતાં ગ્રામજનોને સામાન્ય સરકારી કામગીરી માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે માજી અધ્યક્ષ, કારોબારી સમિતિ તાલુકા પંચાયત પોરબંદર કાના કરણા કારાવદરા દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, કુણવદર ગામમાં છેલ્લા લગભગ એક વર્ષથી તલાટી મંત્રી ઉપલબ્ધ નથી. ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. ગામમાં તલાટી મંત્રીની ગેરહાજરીના કારણે લોકોને ઘાસચારા માટેની કૂપન કઢાવવા, વિવિધ પ્રકારના દાખલા મેળવવા તેમજ અન્ય સરકારી કામગીરી માટે કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અરજદારે રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે ગામમાં 1800થી વધુ લોકોની વસ્તી છે, પરંતુ કેટલાક વ્યક્તિઓની ખટપટ અને વારંવારની અરજીઓના કારણે સમગ્ર ગામના વિકાસ અને વહીવટી કામગીરીને અસર થવી યોગ્ય નથી. આવા લોકોની અરજીઓને આધારે સમગ્ર ગામની કામગીરી અટકાવવાને બદલે તંત્રએ વાસ્તવિક સ્થિતિની તપાસ કરવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે.રજૂઆતમાં એવો પણ આક્ષેપ છે કે ગામના વિકાસ માટે જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ રજૂઆત કરવાની ઈચ્છા હતી, પરંતુ તેમને મળવા કે રજૂઆત કરવા દેવામાં આવી નહોતી. જેના કારણે ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે નારાજગી વધુ ઘેરી બની હોવાનું જણાવાયું છે.

અરજદારે કલેક્ટર સમક્ષ માગ કરી છે કે કુણવદર ગામમાં કાયમી તલાટી મંત્રીની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે, જેથી ગ્રામજનોને સરકારી દાખલા, ઘાસચારા કૂપન સહિતની કામગીરી માટે વારંવાર ધક્કા ન ખાવા પડે. સાથે જ વારંવાર ખોટી અરજીઓ કરનારા તત્વોની અરજીઓની યોગ્ય તપાસ કરી બિનજરૂરી ફરિયાદોના આધારે ગામની કામગીરી અટકાવવામાં ન આવે તેવી પણ માગ કરવામાં આવી છે. અંતમાં ચીમકી આપવામાં આવી છે કે જો કુણવદર ગામના વિકાસના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે અને તલાટીની કાયમી નિમણૂક કરવામાં નહીં આવે તો ગામના આગેવાનો અને ગ્રામજનો ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande