
મહેસાણા, 31 ઓગસ્ટ, 2026 (હિ.સ.) મહેસાણા હાઇવે પર ગાયત્રી મંદિર પાછળ હિંગળાજ ચોક પાસે આવેલી રિયા એલીગન્સ સોસાયટીમાં પાંચ મહિનાથી બંધ રહેલા વેપારીના ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. વેપારી પરિવાર સાથે પુત્ર પાસે યુકે ગયા હતા ત્યારે તસ્કરોએ અગાશીની લોખંડની જાળીવાળો દરવાજો તોડી ફ્લેટમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના, રોકડ, વિદેશી ચલણ અને બે આઈફોન સહિત કુલ રૂ.13.74 લાખની મત્તા ચોરી કરી હતી.
રિયા એલીગન્સ સોસાયટીમાં રહેતા અને સલૂનની દુકાન ચલાવતા ભરતભાઈ ખોડીદાસ નાયી તથા તેમની પત્ની નિરૂબેન ગત 24 માર્ચે મકાન બંધ કરી પુત્ર પાસે યુકે ગયા હતા. તેઓ 26 ઓગસ્ટે પરત ફર્યા ત્યારે ફ્લેટનું તાળું ખોલતાં ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તપાસ કરતાં ઉપરના માળે આવેલી અગાશીની લોખંડની જાળી તૂટેલી હોવાનું જણાયું હતું.
તસ્કરોએ અગાશીના દરવાજેથી ફ્લેટમાં પ્રવેશ કરી બેડરૂમનો લાકડાનો દરવાજો અને કબાટના લોક તોડી ચોરી કરી હતી. તપાસ દરમિયાન રૂ.4.80 લાખના 7 તોલા સોનાના દાગીના, જેમાં ચેઈન, વીંટી, ડોકિયાં અને લક્કીનો સમાવેશ થાય છે, ચોરાયા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત રૂ.2.25 લાખની કિંમતના 1 કિલો ચાંદીના દાગીના, સિક્કા અને મૂર્તિઓ, લોખંડની તિજોરીમાંથી રૂ.1 લાખ રોકડા, રૂ.9,300ના 100 અમેરિકન ડોલર તથા રૂ.60 હજારની કિંમતના બે આઈફોન સહિતની મત્તા ચોરી થઈ હતી.
પાંચ મહિના બાદ પરિવાર પરત ફરતાં ચોરીની ઘટના સામે આવતાં સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ફ્લેટમાં પ્રવેશવાના રસ્તા સહિતના મુદ્દાઓને આધારે તપાસ હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR