
- ગુજરાતમાં દરેક નિવેશને વિકાસનું માધ્યમ-ઉદ્યોગોને રોજગારનો આધાર-ઈનોવેશનને ભારતની શક્તિ બનાવી વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા ઈન્વેસ્ટર્સ-બિઝનેસ લિડર્સને મુખ્યમંત્રી આહવાન
- વાયબ્રન્ટ ગુજરાત સમિટ ગ્લોબલ ઈન્વેસ્ટર્સના ગુજરાત પરના વિશ્વાસનું પ્રતિક અને નોલેજ શેરિંગ પ્લેટફોર્મ બની છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર,31 ઓગસ્ટ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગવી સોચથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે વિશ્વને સંદેશ આપ્યો છે કે નીતિમાં સ્થિરતાં, નિર્ણયમાં પારદર્શિતા અને વ્યવસ્થામાં ગતિ હોય ત્યાં નિવેષકો આપોઆપ આકર્ષિત થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ નવી દિલ્હીમાં યોજાયેલા કર્ટેન રેઈઝર એવેન્ટમાં આ મત વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ઇન્વેસ્ટર્સ અને બિઝનેસ લીડર્સને ગુજરાતમાં રોકાણોથી વિકાસયાત્રામાં સહભાગી બનવા નિમંત્રણ પાઠવતાં રાજ્યમાં હરેક નિવેશને વિકાસનું માધ્યમ, ઉદ્યોગને રોજગારનો આધાર, ઇનોવેશનને ભારતની શક્તિ બનાવીને વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત 2047ના નિર્માણમાં ભાગીદાર બનવા આ ઇવેન્ટમાં આહવાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં એક નવતર વિચાર સાથે વિશ્વના રોકાણકારોને ગુજરાત સાથે જોડવા વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવી હતી. આ સમિટ આજે દુનિયાના ઉદ્યોગ-રોકાણકારોના ગુજરાત પરના વિશ્વાસનું પ્રતીક અને નોલેજ શેરિંગ પ્લેટફોર્મ બની ગઈ છે તેમ તેમણે ગૌરવ સહ ઉમેર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયા, રાજ્યમંત્રી નિમુ બાંભણિયા તથા મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા સહિત મુખ્ય સચિવ એમ.કે.દાસ અને કેન્દ્ર-રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
નવી દિલ્હીના ભારત મંડપમાં સૌપ્રથમવાર યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની આ પ્રમોશનલ ઇવેન્ટમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો, નિવેષકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતની 25 વર્ષની અવિરત વિકાસયાત્રાની સફળતા અને નવા ગુજરાતની નવી આકાંક્ષાઓનો ઉદઘોષના અવસર છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મી સદીના ભારતના જ નહીં પરંતુ દુનિયાના પ્રમુખ દૂરદર્શી નેતાઓમાં સૌથી આગળ છે સૌને આજે વિશ્વાસ છે કે મોદી હે તો મુમકિન હૈ.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનએ અસંભવ લાગતા કામોને સંભવ કરી બતાવ્યા છે. એટલું જ નહીં, એક સમયે માત્ર સપનું હતું તે આજે ભારતની વિકાસયાત્રાનો સંકલ્પ બની ગયો છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતે આ પરિવર્તનને બહુ નજીકથી જોયું છે અને ‘જે કહેવું તે કરવું’ના વડાપ્રધાનશ્રીના મંત્રને વાઇબ્રન્ટ સમિટથી ધરતી પર ઉતાર્યો છે.
મુખ્યમંત્રી એમ પણ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતને નિવેશ આકર્ષિત કરનારા રાજ્ય તરીકે જ નહીં દેશના વિકાસના ગ્રોથ એન્જિન બનાવવાની નેમ સાથે વાઇબ્રન્ટ સમિટનો વિચાર આપેલો.
ગુજરાત આજે ડેવલોપમેન્ટના રોલ મોડલ તરીકે ડેવલપમેન્ટ વિથ ડિલિવરીના મૂળ મંત્ર સાથે આગળ વધ્યું છે તેની વિશદ ભૂમિકા આપતા શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, માત્ર રોડ, રસ્તા, વીજળી, પાણી કે ઉદ્યોગ એટલે ગુજરાત મોડેલ એવી સીમિત વ્યાખ્યા નથી રાખી.
ગુજરાતે એક એવી ઇકોસિસ્ટમ નિર્માણ કરી છે જ્યાં ઇન્વેસ્ટર્સને જમીન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત પોલીસી સ્ટેબિલિટી, સ્પીડ ટ્રાન્સપેરન્સી, સ્કિલ્ડ મેનપાવર અને વિશ્વાસ તથા સુરક્ષા બધું જ એક સાથે મળી રહે છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ બધાના પરિણામે ગુજરાત દેશમાં FDI મેળવવામાં અગ્રેસર છે. ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની સ્ટ્રેન્થ પુરવાર કરીને હવે ગુજરાતે ભવિષ્યના ઉદ્યોગોમાં લીડ લેવા કમર કસી છે.
“વિકસિત ગુજરાત-શેપિંગ ગ્લોબલ ફ્યુચર”ની થીમ સાથે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ 2027 ગુજરાતને સોફ્ટ પાવર, સેમિકન્ડક્ટર, ફીન્ટેક, ગ્રીન હાઈડ્રોજન, એ.આઈ. જેવા ઉભરતાં સેક્ટર્સ અને ગ્રીન ગ્રોથ પર વિશેષ ફોકસ કરનારી રહેશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષના સ્વતંત્રતા દિવસે સપ્ત ધારાનું જે વિકાસ આહવાન કર્યું છે તેને ગુજરાત ઝિલી લેવા સંપૂર્ણ સજ્જ છે.
મેન્યુફેક્ચરિંગ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતની કેપેસિટી, એગ્રીકલ્ચરમાં પ્રોડક્ટિવિટી, ટેકનોલોજીમાં ઇનોવેશન, ગતિશક્તિમાં કનેક્ટિવિટી, ડિફેન્સમાં મેન્યુફેક્ચરિંગ, ગ્રીન અને બ્લુ ઇકોનોમીમાં નેચરલ સ્ટ્રેન્થ અને સોફ્ટ પાવરમાં સંસ્કૃતિ આ બધાને સાથે જોડીને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027થી વડાપ્રધાનશ્રીના સપ્ત ધારા સંકલ્પને ગતિ આપવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ