
અમદાવાદ,31 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદમાં દિન -પ્રતિદિન વધતી જતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે, આજકાલ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રોડની ડિઝાઈનમાં ફેરફારથી લઈને પોલીસની હાજરી અને દબાણો દૂર કરવાને લઈ આયોજન કરવામાં આવી રહ્યું છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં સીટીએમ ખાતે એક્સપ્રેસવે નજીક બહારગામ લોકો વધુ જતા હોય છે તેના કારણે ખાનગી લક્ઝરી ગાડીઓ તેમજ એસટી બસોની અવર-જવર વધુ હોય છે જેથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રોડમાં વધુ એક લેન બનાવવા માટે નિર્ણય લેવાયો છે. જેના માટે નેશનલ હાઈવે ઓથોરિટીની જગ્યા મેળવવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તેમજ સ્થાનિક ધારાસભ્ય દ્વારા હાઇવે ઓથોરિટીને પત્ર લખી જગ્યાની માગણી કરવામાં આવશે.
સીટીએમ એક્સપ્રેસ વે પાસે દરરોજના મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે, દક્ષિણ ગુજરાત તરફ જતી તમામ એસટી બસો પણ સીટીએમ થઈને જાય છે ત્યારે બસોની અવરજવર તેમજ ખાનગી ટ્રાવેલ્સ તેમજ ગાડીઓના ચાલકો ટ્રાફિક કરતાં હોય છે. આ સમસ્યાનું સમાધાન લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના ઉચ્ચ અધિકારીઓ, ટ્રાફિક ડીસીપી અને અમરાઈવાડીના ધારાસભ્ય દ્વારા સ્થળ વિઝીટ કરવામાં આવી હતી.
એક્સપ્રેસ વે પાસે એસટી બસના બસ સ્ટેન્ડ પાસે વધારે ટ્રાફિક થતો હોય છે રોડ ઉપર જ બસ સ્ટેન્ડ આવેલું હોવાથી પાછળથી આવતા વાહનોને ઉભો રહી જવું પડે છે, તેમ જ એક બાદ એક એસટી બસો વધુ આવતી હોવાથી પણ ટ્રાફિક સર્જાતો હોય છે. ત્યારે કોર્પોરેશન અને પોલીસ દ્વારા થર્ડ પર તપાસ કરી એક રોડની અલગથી લેન બનાવી શકાય તે પ્રકારની વિચારણા હાથ ધરવામાં આવી છે.
એસટી બસો સરળતાથી ઉભી રહી શકે અને ટ્રાફિક ન થાય તેમ જ બીજો વાહન વ્યવહાર સરળતાથી એક્સપ્રેસવે તરફ અને નારોલ બાજુ જઈ શકે તેના માટે એસટી બસો માટે અલગથી એક લેન તૈયાર થાય તે પ્રકારે વિચારણા કરવામાં આવી છે.
હાલમાં એક્સપ્રેસ-વેના વળાંક પાસે જે રોડ આવેલો છે તેની બાજુમાં ત્રિકોણ પ્રકારની જગ્યા આવેલી છે તે જગ્યા નેશનલ હાઈવે ઓથોરિટીની છે તે જગ્યામાં અલગથી લેન તૈયાર કરવામાં આવે તો એસટી બસો અને ભારે વાહન સિવાય અન્ય વાહનો ત્યાંથી સરળતાથી જઈ શકે છે. જોકે આ જગ્યા નેશનલ હાઈવે ઓથોરિટીના હસ્તગત હોવાના કારણે હવે અમરાઈવાડીના ધારાસભ્ય ડો.હસમુખ પટેલે આ જગ્યા મેળવવા ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનને હાઇવે ઓથોરિટીને પત્ર લખી મેળવવા જણાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ