
- ટીશ્યુ પેપર પર બોમ્બ હોવાનો મેસેજ મળ્યો
- પ્લેનને સાઈડમાં ઉભું રાખી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
અમદાવાદ,31 ઓગસ્ટ (હિ.સ.) સાઉદી અરેબિયાના દમામથી નવી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ક્રૂ મેમ્બરને 'BOMB' લખેલું એક ટીશ્યુ પેપર મળી આવતા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. ફ્લાઈટમાંથી તમામ મુસાફરોને બહાર કાઢી તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતે અમદાવાદ પોલીસ 8 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી વધુ માહિતી જાહેર કરશે.
એસવીપી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેનને સાઈડમાં પાર્ક કરી તપાસ શરૂ કરવામાં આવી.
સાઉદી અરેબિયાના દમામથી નવી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ક્રૂ મેમ્બરને 'BOMB' લખેલું એક ટીશ્યુ પેપર મળી આવ્યું.
શંકાસ્પદ લખાણની જાણ થતા જ ક્રૂ સ્ટાફે તુરંત પાઇલટને વાકેફ કર્યા. નિયમાનુસાર સુરક્ષા પ્રોટોકોલ હેઠળ તાત્કાલિક નજીકના અમદાવાદ એરપોર્ટનો સંપર્ક સાધી ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી. ગંભીર પરિસ્થિતિને જોતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ ઇમરજન્સી સેવાઓને તહેનાત કરી દેવામાં આવી.
પ્લેનનું અમદાવાદ રન-વે પર લેન્ડિંગ થતાંની સાથે જ તેને સુરક્ષાના ભાગરૂપે મુખ્ય વિસ્તારથી દૂર લઈ જવામાં આવ્યું. ત્યારબાદ વિમાનમાં સવાર તમામ 32 મુસાફરોને સાવચેતીપૂર્વક બહાર કાઢી એરપોર્ટ બસ મારફતે સુરક્ષિત રીતે ટર્મિનલ બિલ્ડિંગ ખાતે ખસેડવામાં આવ્યા. મુસાફરોનો તમામ લગેજ પણ અલગ રાખીને વિગતવાર તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી.
ઇમરજન્સી લેન્ડિંગ બાદ ફાયર બ્રિગેડ, સીઆઇએસએફ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ સમગ્ર વિમાનને ઘેરી લઈને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. એરપોર્ટ સુરક્ષા અધિકારીઓ અને ટેક્નિકલ ટીમો દ્વારા વિમાનના દરેક ખૂણા, કાર્ગો હોલ્ડ અને સીટોની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી.
પ્રાથમિક તપાસ દરમિયાન ફ્લાઇટમાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ આ ધમકીભરી ચિઠ્ઠી કોણે અને કયા ઇરાદાથી મૂકી હતી તે દિશામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ