આવાસ જમીનદોસ્ત થતાં સેંકડો પરિવારો વર્ષોથી બેઘર
સુરત, 01 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરનાં ભેસ્તાન ખાતે મહાનગર પાલિકા દ્વારા ગરીબ અને શ્રમજીવી પરિવારો માટે બનાવવામાં આવેલ સરસ્વતી આવાસ અને ભીમનગર આવાસ ગણતરીનાં સમયમાં જર્જરિત થઈ જતાં સેંકડો પરિવારોએ બેઘર થવાનો વારો આવ્યો છે. ચાર વર્ષ પૂર્વે સરસ્વતી આવાસ જ
કલેકટર સમક્ષ રહેવાસીઓની રજુઆત


સુરત, 01 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરનાં ભેસ્તાન ખાતે મહાનગર પાલિકા દ્વારા ગરીબ અને શ્રમજીવી પરિવારો માટે બનાવવામાં આવેલ સરસ્વતી આવાસ અને ભીમનગર આવાસ ગણતરીનાં સમયમાં જર્જરિત થઈ જતાં સેંકડો પરિવારોએ બેઘર થવાનો વારો આવ્યો છે. ચાર વર્ષ પૂર્વે સરસ્વતી આવાસ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા જ્યારે ભીમનગર આવાસમાં હજી પણ મોટી સંખ્યામાં પરિવારો જીવનાં જોખમે વસવાટ કરી રહ્યા છે. આ પરિવારજનો દ્વારા આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચીને વહેલી તકે રિ-ડેવલપમેન્ટ કરવામાં આવે તે સંદર્ભેની રજુઆત કરવામાં આવી હતી.

સુરત મહાનગર પાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચે ભ્રષ્ટાચારનાં આદર્શ ઉદાહરણ સમાન સરસ્વતી આવાસ અને ભીમનગર આવાસમાં વસવાટ કરતાં શ્રમજીવી પરિવારોની સ્થિતિ દયનીય થઈ ચુકી છે. ચાર વર્ષ પૂર્વે રહેવાસીઓ માટે જોખમી પુરવાર થયેલ સરસ્વતી આવાસને જમીન દોસ્ત કરી દેવામાં આવતાં સેંકડો પરિવારો બેઘર થઈ ગયા હતા અને નાછૂટકે ભાડાનાં મકાનમાં વસવાટ કરવા માટે મજબૂર બન્યા છે જ્યારે બીજી તરફ ભીમનગર આવાસમાં પણ મોટા ભાગનાં આવાસો જર્જરિત થઈ ચુક્યા છે અને તેમ છતાં જીવનાં જોખમે ભીમનગર આવાસમાં પરિવારો વસવાટ કરવા મજબૂર છે. આ સ્થિતિમાં છેલ્લા ઘણા સમયથી મહાનગર પાલિકા સમક્ષ રિ-ડેવલપમેન્ટની રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં અંતે કંટાળીને બંને આવાસોનાં રહેવાસીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં રહેવાસીઓ દ્વારા માત્ર 10 વર્ષમાં મકાનો જર્જરિત થઈ જવાની ઘટનાની સાથે - સાથે મકાનનાં સ્લેબ પડવાની ઘટનામાં ત્રણનાં મોત અને પાંચથી વધુ નાગરિકોને ઈજા પહોંચી હોવાનું જણાવ્યું હતું. રજુઆત કરવા માટે પહોંચેલા નાગરિકોએ મહાનગર પાલિકા દ્વારા રિ-ડેવલપમેન્ટ માટે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવાની સાથે - સાથે વહેલામાં વહેલી તકે નાગરિકોને આવાસની સુવિધા મળી રહે તે માટેની રજુઆત કરવામાં આવી હતી.

12 વખત ટેન્ડર પ્રક્રિયા છતાં ઈજારદારોમાં નિરસતા

ભેસ્તાન ખાતે આવેલ સરસ્વતી આવાસ અને ભીમનગર આવાસનાં રિ-ડેવલમેન્ટ માટે મહાનગર પાલિકા દ્વારા છેલ્લા ચાર વર્ષથી નિયમિત ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર અત્યાર સુધી 12 વખત બંને આવાસોનાં રિડેવલપમેન્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધવામાં આવી હોવા છતાં એકપણ ઈજારદાર દ્વારા રસ દાખવવામાં આવ્યો નથી. જ્યારે હાલમાં પણ 13મી વખત ટેન્ડર માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સ્થિતિમાં હજી સરસ્વતી અને ભીમનગર આવાસનાં નાગરિકોની સમસ્યાનું નિકટનાં સમયમાં કોઈ સમાધાન નજરે પડતું નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande