




કચ્છ, 01 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીધામ મહાનગરપાલિકા કક્ષાના 77મા વન મહોત્સવ-2026ની ભવ્ય ઉજવણી કીડાણા ગામ ખાતે વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલા અર્બન ફોરેસ્ટમાં કરવામાં આવી હતી. સામાજિક વનીકરણ રેન્જ-અંજારના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં લોકપ્રતિનિધિઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ, વન વિભાગના કર્મચારીઓ, ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ અને પર્યાવરણ જતનને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, શહેરોમાં હરિયાળી વધારવા માટે આવા વન મહોત્સવો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કીડાણા ખાતે વિકસાવવામાં આવેલા આ અર્બન ફોરેસ્ટમાં વન વિભાગ દ્વારા આશરે 18,500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગાંધીધામ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આ સ્થળને વધુ સુવિધાસભર બનાવી ભવિષ્યમાં પર્યટન અને પ્રકૃતિપ્રેમનું આકર્ષણ કેન્દ્ર બનાવવાની દિશામાં મહાનગરપાલિકા અને વન વિભાગ સંકલિત પ્રયાસ કરે તેવી તેમણે અપેક્ષા વ્યક્ત કરી હતી.
ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને જનઆંદોલન બનાવવાની અપીલ કરી હતી. દરેક વ્યક્તિ પોતાના જીવન સાથે જોડાયેલી યાદ તરીકે એક વૃક્ષ વાવી તેનું જતન કરે તો પર્યાવરણ સંરક્ષણને નવી દિશા મળી શકે તેમ તેમણે જણાવ્યું હતું.
મેયર દિવ્યાબેન નાથાણીએ ગાંધીધામને સ્વચ્છ, સુંદર અને હરિયાળું મહાનગર બનાવવું સૌની સંયુક્ત જવાબદારી હોવાનું જણાવ્યું હતું. તેમણે વૃક્ષ વાવ્યા બાદ તેની નિયમિત સંભાળ રાખવાનો સંકલ્પ લેવા લોકોને અનુરોધ કર્યો હતો.નાયબ વન સંરક્ષક નેવીલ ચૌધરીએ પર્યાવરણમાં વૃક્ષોના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ, પાણીની અછત અને પ્રદૂષણ જેવા પડકારો સામે વૃક્ષારોપણ તથા વન સંવર્ધન અસરકારક ઉપાય છે. કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં હરિયાળી જાળવવી પડકારરૂપ હોવા છતાં સામૂહિક પ્રયાસોથી આ કાર્ય શક્ય બની શકે છે.
કીડાણા ખાતે 2021-22 દરમિયાન 31 હેક્ટર વિસ્તારમાં 18,500 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. અહીં નમોવન વડ તથા હરિત વસુંધરા યોજના અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી પણ વાવેતર થયું છે. ચાલુ વર્ષે સામાજિક વનીકરણ વિભાગ-કચ્છ દ્વારા 22 વન કવચ વિકસાવી મિયાવાકી પદ્ધતિથી આશરે 2.20 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં બી.ડી. દવેરા, પી.એન. વાઘેલા સહિત મહાનગરપાલિકા અને વન વિભાગના અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar