
જામનગર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર નજીક આવેલા દરેડ ગામમાં પ્રેમસંબંધના મામલે ૧૬ વર્ષના એક કિશોરની ધોકા વડે ટીપી-ટીપીને ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. તરુણી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં તેના પિતાએ દિકરીના મોબાઇલમાંથી મેસેજ કરી કિશોરને પોતાના ઘરે બોલાવ્યો હતો. કિશોર ત્યાં પહોંચતા જ ચાર શખ્સોએ ભેગા મળી તેને બેરહમીપૂર્વક માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. બનાવ અંગે પંચકોશી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તમામ ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગત મુજબ, દરેડ ગામમાં બસ સ્ટેશન સામે રહેતા ૧૬ વર્ષીય સાગર રમેશભાઈ ખરા નામના સગીરને પાડોશમાં રહેતા દિનેશ જેઠાભાઈ ગોહીલની પુત્રી સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતની જાણ સગીરાના પિતા દિનેશને થઈ જતાં તેમણે ઘડેલા કાવતરા મુજબ પુત્રીના મોબાઈલમાંથી સાગરને મેસેજ કરી સવારે નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે બોલાવ્યો હતો. સાગર પ્રેમિકાના ઘરે પહોંચતાની સાથે જ દિનેશ ગોહીલ, તેનો ભાઈ જગદીશ ગોહીલ, મિત્ર રામકેશ ઉર્ફે પિન્ટુ પ્રજાપતિ અને અભી અગ્રાવતે તેને પકડીને ઘરના ઉપરના માળે લઈ ગયા હતા. ત્યાં ચારેય શખ્સોએ સાગર પર ધોકા વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
ત્યારબાદ આરોપીઓએ તેને શેરીમાં ફેંકી દીધો હતો. સાગરના પરિવારે તેને તુરંત ૧૦૮ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલે ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે મૃતકના ભાઈ પીયુષ ખરાની ફરિયાદ પરથી પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી ચારેય આરોપીઓને હસ્તગત કરી આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt