


પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.)હારીજમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે વરસાદી માહોલ વચ્ચે ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. જલીયાણ ગ્રીન સોસાયટી અને પુષ્પકુંજ સોસાયટી સહિતના વિસ્તારોમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ગણેશ સ્થાપના કરાઈ હતી.
જલીયાણ ગ્રીન સોસાયટીમાં યજમાન નિલેશભાઈ ઠક્કરના નિવાસસ્થાનેથી શાસ્ત્રોક્ત વિધિ સાથે વાજતે-ગાજતે ભગવાન શ્રી ગણેશને લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ માટીની મૂર્તિને સોસાયટીના કોમન પ્લોટમાં શુભ મુહૂર્તે સ્થાપિત કરવામાં આવી હતી. વરસાદ વરસતો હોવા છતાં સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં સ્થાપના વિધિમાં જોડાયા હતા. 'ગણપતિ બાપા મોરિયા'ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
આવી જ રીતે પુષ્પકુંજ સોસાયટીમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. યજમાન રાજુભાઈ ઠક્કરના નિવાસસ્થાનેથી ગણેશજીની મૂર્તિને વાજતે-ગાજતે લક્ષ્મી માતાજીના મંદિરે લઈ જવામાં આવી હતી, જ્યાં શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સ્થાપના કરાઈ હતી. બંને સોસાયટીઓમાં ગણેશોત્સવને લઈને ભક્તોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ