
પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવા સુદ ત્રીજ એટલે કે હળતાલિકા અને કેવડા ત્રીજના પવિત્ર દિવસે પાટણમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. છત્રપતેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ પરિણીત મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. મહિલાઓએ અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્યજીવનની કામના સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા-અર્ચના કરી હતી.
ધાર્મિક માન્યતા અનુસાર, માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે સૌપ્રથમ આ કઠિન વ્રત કર્યું હતું. તેમણે રેતીનું પાર્થેશ્વર શિવલિંગ બનાવી પૂજા કરી હતી. આ દિવસે સામાન્ય રીતે પૂજામાં વર્જિત ગણાતા કેવડાનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોએ શિવ-પાર્વતીને કેવડો અર્પણ કરી મનોકામના પૂર્ણ થવા પ્રાર્થના કરી હતી.પાટણ શહેરના વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા અને ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. કુંવારી કન્યાઓએ મનગમતો જીવનસાથી મેળવવા માટે, જ્યારે પરિણીત મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે નિર્જળા ઉપવાસ રાખ્યા હતા. ભક્તિભાવપૂર્વક માતા ગૌરીની આરાધના કરી મહિલાઓએ પવિત્ર પર્વની ઉજવણી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ