
જામનગર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત પરંપરાગત શ્રાવણી લોકમેળા-2026ને ભવ્ય સફળતા અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર તમામ કર્મયોગીઓની સંનિષ્ઠ સેવાઓની કદર કરવા માટે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે લોકમેળાના સફળ સંચાલન અને આયોજનમાં અવિરત સેવા આપનાર સફાઈ કર્મીઓ, ફાયર બ્રિગેડના જવાનો, પોલીસ હોમગાર્ડ અને અન્ય તમામ કર્મયોગીઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાલ તથા પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન સમારોહમાં નિમંત્રક તરીકે ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણી, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન હર્ષાબા પી. જાડેજા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણીએ ઉપસ્થિત રહીને તમામ મહેમાનો તથા કર્મયોગીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ ઉપરાંત કાર્યક્રમમાં જામનગર શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, ભાવેશભાઈ કાનાણી, મૃગેશભાઈ દવે, વિવિધ કોર્પોરેટરો તેમજ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ કર્મયોગીઓની રાત-દિવસની મહેનતને બિરદાવી હતી અને તેમના સમર્પણને લોકમેળાની સફળતાની મુખ્ય ચાવી ગણાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt