


- સર્વ વિદ્યાલયની ૧૮ કોલેજના ૭૩ યુવાનોએ ભાગ લીધો હતો
ગાંધીનગર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : યુવાનોમાં નેતૃત્વક્ષમતા, આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ વિકાસ, આત્મચિંતન, સામાજિક જવાબદારી અને સંવેદનશીલતા વિકસાવવાના હેતુથી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિદ્યાલય દ્વારા તા: ૦૯ થી ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન એમ.એમ. પટેલ હોલ, સર્વ વિદ્યાલય કેમ્પસ કડી ખાતે પાંચ દિવસીય નેતૃત્વ તાલીમ શિબિર યોજાઈ જેમાં સર્વ વિદ્યાલયની ૧૮ કોલેજના ૭૩ યુવાનોએ ભાગ લીધો હતો. આ શિબિરમાં તજજ્ઞ તરીકે હરેશ પટેલ હાજર રહ્યા હતા.
શિબિરમાં યોગ, ધ્યાન, પ્રાર્થના, આત્મચિંતન, ટીમ બિલ્ડિંગ અને ‘પૂર્ણા’ ફિલ્મ, ‘Who Am I?’, ‘Goal & Purpose’, ‘Self-Mastery’ અને ‘Living Purposefully’ જેવા વિષયો દ્વારા વિદ્યાર્થીઓને પોતાના જીવનનો હેતુ સમજવા અને આંતરિક ક્ષમતાઓ વિકસાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.‘10 Keys to Happiness’, ‘Human Knot’, ‘Hula Hoop’ અને વ્યક્તિત્વ વિશ્લેષણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સર્જનાત્મકતા, સંવાદ કૌશલ્ય અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાની સમજ પણ આપવામાં આવી હતી.
‘અમદાવાદનો રિક્ષાવાળો’ તરીકે જાણીતા ઉદયભાઈ જાદવ તથા નેશનલ એવોર્ડ વિજેતા નિષ્ઠા ઠાકર સાથેના પ્રેરણાત્મક સંવાદ યોજાયો હતો, જ્યાં વિદ્યાર્થીઓને સંઘર્ષ, હિંમત અને લક્ષ્ય પ્રાપ્ત કરવાનું માર્ગદર્શન આપ્યું હતું. શિબિરના સમાપન સત્રમાં ગુજરાત પ્રાંત સેવા પ્રમુખ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા સફલ વિદ્યાલય, ગાંધીનગરના ટ્રસ્ટી જગદીશભાઈ ચાવડા, નડિયાદ વિભાગ સંઘચાલક તથા નિવૃત્ત આચાર્ય રસિકભાઈ પટેલ, અને શિક્ષણવિદ્ ડો. યોગેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સફળતાપૂર્વક શિબિર સંપન્ન કરવા બદલ તમામ તાલીમાર્થીઓને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભ એમ પટેલ સાહેબ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ