


પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણમાં એશિયાના સૌથી જૂના 149મા ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો છે. ભદ્ર વિસ્તારમાં આવેલી ગણેશવાડીમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા વર્ષોથી આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. અનંત ચતુર્દશી સુધી ભક્તિમય વાતાવરણમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
મહોત્સવના પ્રારંભે ભદ્ર વિસ્તારમાં રહેતા રાજુભાઈ દેવધરના ઘરેથી શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાન ગણેશજીની પાલખી યાત્રા વાજતે ગાજતે નીકળી હતી. ભદ્ર વિસ્તારમાંથી પસાર થઈ યાત્રા ગજાનન વાડી ખાતે પહોંચી હતી.
ગજાનન વાડી ખાતે મહારાષ્ટ્રીયન પરિવારની મહિલાઓ અને શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન શ્રીજીની મૂર્તિનું વિધિપૂર્વક સ્વાગત કરાયું હતું. બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ આરતી ઉતારવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ગણેશવાડીમાં કાળી માટીની મૂર્તિ સ્થાપિત કરીને મહોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી, ઋષિ પંચમી, જ્યેષ્ઠા ગૌરી પૂજન, નવમી, દશમી, પરિવર્તની એકાદશી, શનિ પ્રદોષ, અનંત ચતુર્દશી અને સત્યનારાયણ પૂજા સહિતના કાર્યક્રમો યોજાશે. પાટણથી શરૂ થયેલો આ ઉત્સવ આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે, જેને લઈને મહારાષ્ટ્રીયન પરિવારો ગર્વ અનુભવી રહ્યા છે.
શ્રી ગજાનન મંડળના રાજુભાઈ દેવધરે જણાવ્યું હતું કે, વર્ષોથી ભગવાન ગણેશજીની મૂર્તિ કાળી માટીમાંથી એક જ કદ અને આકારમાં બનાવવામાં આવે છે. વિસર્જન સમયે મૂર્તિમાંથી થોડી માટી લઈ લેવામાં આવે છે, જેનો ઉપયોગ બીજા વર્ષે બનનારી મૂર્તિમાં થાય છે. આ રીતે વર્ષો જૂની મૂર્તિનો અંશ આજે પણ નવી મૂર્તિમાં જળવાઈ રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ