

પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : વલસાડ
જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં
નોંધાયેલા ઇંગ્લિશ દારૂના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને જુનાગઢ રેન્જ પોલીસ ટીમે પોરબંદરના માધવપુર ગામમાંથી ઝડપી લીધો છે. આરોપીને આગળની કાર્યવાહી માટે પારડી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ પારડી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં પ્રોહિબિશન કલમ 65(એ)(ઇ), 81, 98(2) અને 116(બી) હેઠળ ઇંગ્લિશ
દારૂ અંગેનો ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ દરમિયાન મોહમદખા ઇબ્રાહિમખા બેલીમ (42), રહે. બહાર વિસ્તાર, માધવપુર ગામ, તા.જી. પોરબંદરનું સહઆરોપી તરીકે નામ ખુલ્યું હતું. ગુનો નોંધાયા બાદ પોલીસથી ધરપકડ ટાળવા માટે આરોપી સતત નાસતો ફરતો હતો. જુનાગઢ રેન્જ પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલી ઝુંબેશnદરમિયાન આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન રેન્જ ટીમને મળેલી ચોક્કસ બાતમી, ટેકનિકલ સર્વેલન્સ અને માનવબાતમીના આધારે આરોપી માધવપુરખાતે પોતાના રહેઠાણમાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને તેના રહેણાક મકાનેથી ઝડપી લીધો હતો.
ઝડપાયેલા આરોપી મોહમદખા ઇબ્રાહિમખા બેલીમને ઇંગ્લિશ દારૂના ગુનામાં આગળની કાર્યવાહી માટે વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya