કલોલ ખાતે 17 સપ્ટેમ્બરે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વિરાટ 'આયુષ મેળો' યોજાશે
ગાંધીનગર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) ''સેવા સંકલ્પ અભિયાન'' અંતર્ગત 11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી તથા વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે કલોલ ખાતે વિરાટ ''આયુષ મેળા''નું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયામક આયુષની કચેર
કલોલ ખાતે 17 સપ્ટેમ્બરે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વિરાટ 'આયુષ મેળો' યોજાશે


ગાંધીનગર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી તથા વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે કલોલ ખાતે વિરાટ 'આયુષ મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયામક આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ, જિલ્લા આયુર્વેદ અધિકારી ગાંધીનગર દ્વારા કલોલ નગરપાલિકાના સહયોગથી અને મીડટાઉન ચેરીટેબલ ટ્રસ્ટ કલોલના સૌજન્યથી આ મેળો યોજાશે.

આ આયુષ મેળો 17 સપ્ટેમ્બર 2026, ગુરુવારના રોજ સવારે 10 થી સાંજે 4 કલાક સુધી ભારતમાતા ટાઉન હોલ, કલોલ ખાતે યોજાશે.

આ મેળામાં સવારે 9 થી 10 કલાક દરમિયાન વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં પધારેલ નગરજનો માટે તબીબો દ્વારા શરીરની તાસીર જાણવા પ્રકૃતિ પરીક્ષણ, ગર્ભાધાન પહેલાં અને ગર્ભાવસ્થા દરમિયાન ખાસ આયુર્વેદ માર્ગદર્શન આપતો ગર્ભ સંસ્કાર વિભાગ, સ્ત્રી રોગ, 107 મર્મ પોઈન્ટ પર દબાણ આપી સારવાર આપતી મર્મ ચિકિત્સા, ચામડીના રોગો, બાળરોગ તથા સ્થૂળતા, ડાયાબિટીસ, બી.પી. અને થાયરોઈડ જેવા લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર માટે અનુભવી આયુર્વેદ ચિકિત્સકો દ્વારા નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવશે.

આ ઉપરાંત, મેળામાં જનરલ આયુર્વેદ અને હોમિયોપેથી ઓ.પી.ડી., રોગ અનુસાર યોગ-પ્રાણાયામ માર્ગદર્શન તેમજ બીપી અને ડાયાબિટીસ ચેક-અપની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. વિશેષરૂપે સવારે 10 થી 1 વાગ્યા સુધી આંખોની નિઃશુલ્ક તપાસ કરી વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવશે.

આયુષ પદ્ધતિ વિશે જાગરૂકતા કેળવવાના હેતુથી મેળામાં ઋતુચર્યા, દિનચર્યા, ઘરઆંગણા અને રસોડાના ઔષધોનું વનસ્પતિ પ્રદર્શન, પંચકર્મ માહિતી (વમન, વિરેચન, નસ્ય વગેરે), યોગ પ્રદર્શન અને મિલેટ વાનગી પ્રદર્શન જેવાં વિવિધ પ્રદર્શનો પણ યોજાશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande