


કચ્છ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં છેલ્લા એક દિવસથી ગરમી અને બફારાના માહોલ બાદ આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં પણ નવી આશાનો સંચાર થયો છે.
તા. 14 સપ્ટેમ્બરના જિલ્લા વરસાદના આંકડા મુજબ કચ્છમાં આજે કુલ 42 મિ.મી. વરસાદ નોંધાયો છે. જેમાં ભુજમાં સૌથી વધુ 26 મિ.મી., માંડવીમાં 7 મિ.મી., ભચાઉમાં 4 મિ.મી., ગાંધીધામમાં 3 મિ.મી. અને મુન્દ્રામાં 2 મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે લખપત, રાપર, અંજાર, નખત્રાણા અને અબડાસામાં આજે વરસાદ નોંધાયો નથી. સિઝનનો અત્યાર સુધીનો કુલ વરસાદ કચ્છ જિલ્લામાં 1,581 મિ.મી. નોંધાયો છે.
કચ્છમાં ચોમાસાની સિઝન હવે પૂર્ણ થવાના આરે છે ત્યારે જોઈએ તેટલો વરસાદ ન પડતાં ખાસ કરીને પશુપાલકો અને માલધારીઓની ચિંતામાં વધારો થયો હતો. અબડાસા, લખપત સહિતના છેવાડાના વિસ્તારોમાં ઘાસચારા અને પાણીની અછતની સ્થિતિને કારણે કેટલાક માલધારીઓને પોતાના પશુધન સાથે હિજરત કરવાની ફરજ પડી હતી.
અગાઉની સિઝનમાં પણ કચ્છમાં મોડે મોડે વરસાદ પડ્યો હતો, પરંતુ ચાલુ સિઝનમાં વરસાદની અનિયમિતતાએ ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધારી હતી. હવે ચોમાસાના અંતિમ તબક્કામાં પડેલા વરસાદથી ખેતી અને પશુપાલન માટે થોડી રાહતની આશા ઊભી થઈ છે.
હાલ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોની નજર આગામી દિવસોમાં થનારા વરસાદ પર છે. જો આગામી દિવસોમાં વધુ સારો વરસાદ થાય તો પાક અને ઘાસચારાની સ્થિતિમાં સુધારો થવાની સાથે પશુપાલકોને પણ મોટી રાહત મળી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar