
કચ્છ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર ગામમાં પિતાની અંતિમ યાત્રામાં ત્રણ દીકરીઓએ અર્થીને કાંધ આપી સમાજમાં દીકરીના હક અને જવાબદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું
મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર ગામમાં દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદ ન હોવાનો સંદેશ આપતો ભાવુક અને પ્રેરણાદાયી પ્રસંગ સામે આવ્યો છે. પિતાના અવસાન બાદ તેમની ત્રણ દીકરીઓએ સમાજમાં વર્ષોથી ચાલી આવતી રૂઢિચુસ્ત માન્યતાઓને પાછળ છોડીને પિતાની અંતિમ યાત્રામાં અર્થીને કાંધ આપ્યો હતો. ત્રણેય બહેનોએ પિતા પ્રત્યેની અંતિમ ફરજ નિભાવતા ઉપસ્થિત સૌના હૃદયને સ્પર્શી જાય તેવું ઉદાહરણ પૂરું પાડ્યું.
મળતી માહિતી પ્રમાણે મોટી ભુજપુર ગામના મનોજભાઈ નઝારનું અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર માટે પરિવારજનો અને સમાજના લોકોની ઉપસ્થિતિમાં અંતિમયાત્રા યોજાઈ હતી. આ દરમિયાન મનોજભાઈની ત્રણ પુત્રીઓ હેમિતા, અંકિતા અને મિતલે પિતાની અર્થીને કાંધ આપીને અંતિમ વિદાય આપી હતી.
પિતાને અંતિમ વિદાય આપતી વખતે ત્રણેય દીકરીઓની આંખોમાં આંસુ હતા, પરંતુ સાથે જ પિતા પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાનો ભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. અંતિમયાત્રામાં આ દૃશ્ય જોઈને ઉપસ્થિત લોકો પણ ભાવુક બની ગયા હતા. પરિવારના દુઃખની ઘડીમાં દીકરીઓએ જે રીતે પિતાની અંતિમ યાત્રામાં ભાગ લીધો તે પ્રસંગે હાજર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
પરંપરાગત રીતે અનેક સમાજોમાં અંતિમવિધિ અને અર્થીને કાંધ આપવાની જવાબદારી દીકરાની માનવામાં આવે છે. જોકે મોટી ભુજપુરની આ ત્રણ બહેનોએ આ વિચારસરણીને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે. દીકરી માત્ર પરિવારની જવાબદારી વહન કરનારી વ્યક્તિ જ નહીં, પરંતુ માતા-પિતા પ્રત્યેની ફરજ અને જવાબદારી નિભાવવામાં દીકરા જેટલી જ સક્ષમ છે, તેવો સંદેશ આ ઘટનામાંથી પ્રગટ થયો છે.
મહેશ્વરી સમાજના મહિલા સંગઠનના પ્રમુખ કાન્તાબેન ભવાનજીભાઈ સોધમના ભાઈ મનોજભાઈ નઝારના અવસાન પ્રસંગે બનેલી આ ઘટના સમાજમાં દીકરીઓના સ્થાન અને અધિકાર અંગે સકારાત્મક ચર્ચા જગાવનારી બની છે. મોટી ભુજપુરની ત્રણ દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપીને માત્ર પોતાની લાગણી વ્યક્ત કરી નથી, પરંતુ બદલાતા સમાજમાં સમાનતા અને પુત્રીના સન્માનનો મજબૂત સંદેશ પણ આપ્યો છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar