
કચ્છ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) ભારત વિશ્વ સાથે ડિજિટલ અને ટેકનોલોજીના યુગમાં કદમ મિલાવી રહ્યું છે, ત્યારે દેશલપર (ગુંતલી) ગ્રામ પંચાયત હેઠળ આવતી કંકાય વાંઢમાં હજુ પણ શિક્ષણની પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વાંઢમાં વસતા પરિવારોના જણાવ્યા મુજબ અહીં આશરે વીસેક જેટલા બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવવાની ઉંમરના હોવા છતાં શાળાની સુવિધાથી વંચિત છે.
કંકાય વાંઢના રહેવાસીઓ માટે સરકાર દ્વારા આશરે બે એકર જમીન ગામતળ તરીકે નીમ કરી રહેણાક વિસ્તાર વિકસાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થી પરિવારોને મકાન સહાય પણ આપવામાં આવી રહી છે. પરંતુ રહેણાકની વ્યવસ્થા ઊભી થઈ છે ત્યારે બાળકોના ભવિષ્ય માટે જરૂરી શિક્ષણની સુવિધા કેમ નહીં? તેવો સવાલ વાંઢના રહેવાસીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે, “આજે કોમ્પ્યુટર અને ટેકનોલોજીનો યુગ છે, પરંતુ અમારા બાળકો હજુ પ્રાથમિક શિક્ષણથી પણ વંચિત રહે તે દુઃખદ બાબત છે. બાળકોને શિક્ષણ મેળવવા માટે દૂર જવું પડે છે, જેના કારણે નિયમિત શાળાએ જવામાં મુશ્કેલી પડે છે.”
આ અંગે સ્થાનિક રાજકીય આગેવાન અને પૂર્વ ઉપસરપંચ શ્રી પ્રવિણસિંહ સોઢાએ શિક્ષણ વિભાગને તાત્કાલિક કંકાય વાંઢની સ્થળ મુલાકાત લઈ વાસ્તવિક પરિસ્થિતિનો સર્વે કરવા તથા બાળકોને શિક્ષણની યોગ્ય સુવિધા મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવા નમ્ર રજૂઆત કરી છે.
વાંઢના બાળકોનું ભવિષ્ય શિક્ષણ સાથે જોડાયેલું છે ત્યારે તંત્ર દ્વારા માત્ર રહેણાકની સુવિધા નહીં પરંતુ શિક્ષણનો અધિકાર પણ તેમના ઘરઆંગણે પહોંચે, તે દિશામાં તાત્કાલિક પગલાં ભરાય તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar