
કચ્છ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા–માતાનામઢ–લખપત હાઈવે પર લાંબા સમયથી વધેલી ઝાડી-ઝાંખર અને કાંટાળી વનસ્પતિને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને હાઈવેની સાઈડમાં વધેલી ઝાડીઓના કારણે વાહનચાલકોને કેટલાક સ્થળોએ માર્ગની બાજુનો વિસ્તાર તેમજ સામેથી આવતા વાહનોની દૃશ્યતા અંગે મુશ્કેલી સર્જાતી હતી.
હાલ કોટડા (જ) અને મથલ ગામ વચ્ચે મશીનરીની મદદથી ઝાડી-કાંટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મશીન દ્વારા માર્ગની બંને બાજુની વધેલી ઝાડીઓ અને કાંટાળા છોડ દૂર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે હાઈવે વધુ ખુલ્લો અને સ્વચ્છ બનશે.
આ કામગીરી ખાસ કરીને આગામી નવરાત્રી દરમિયાન માતાનામઢ તરફ જતા પદયાત્રીઓ અને વાહનચાલકો માટે માર્ગને વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવવામાં મદદરૂપ બનશે. રસ્તાની બાજુની દૃશ્યતા વધવાથી અકસ્માતના જોખમમાં ઘટાડો થવાની પણ આશા છે.
હાઈવે પર ઝાડી-ઝાંખરની સફાઈ સાથે નિયમિત જાળવણી કામગીરી પણ સતત ચાલુ રાખવામાં આવે તેવી વાહનચાલકો અને સ્થાનિકોમાં માંગ સાથે અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar